લોગ વિચાર :
દારૂ પીવાના ફાયદા અને ગેરફાયદા વિશે વખતોવખત નવા દાવા થતા જ હોય છે ત્યારે અમેરિકાના સર્જન જનરલે દારૂ પીવાથી કેન્સરનું જોખમ રહેતું હોવાનું અને તેને ધ્યાનમાં રાખીને શરાબની બોટલ પર ચેતવણી લખવાનું ફરજીયાત કરવા સલાહ આપી છે.
અમેરિકી સર્જન જનરલ વિવેકમૂર્તિએ જણાવ્યું હતું કે, દારૂ પીવાથી આરોગ્યને થનારી વિપરીત અસર વિશે જનજાગૃતિ વધારવાની જરૂર છે. દારૂ અને કેન્સર વચ્ચે લીંક હોવાનું 1980ના દાયકાથી કહેવાઇ રહ્યું છે અને તે વિશેના નવા નવા પુરાવા પણ મળી રહ્યા છે.
કેન્સર અટકાવવા માટે શરાબનું સેવન રોકવાની જરૂર છે. માત્ર અમેરિકામાં જ શરાબને કારણે કેન્સરના વર્ષે 1 લાખ કેસ થાય છે અને તેમાંથી 20 હજાર લોકોના મોત નિપજે છે. અમેરિકામાં ડ્રીંક ડ્રાઇવીંગના કારણે અકસ્માતોમાં 13500 લોકોનો ભોગ લેવાય છે તેના કરતા પણ દારૂ પીવાથી મોતની સંખ્યા વધી જાય છે.
તેમના કહેવા પ્રમાણે શરાબ પીવાથી કેન્સરના કેસો ત્રીજા ક્રમે છે. તમાકુ અને મેદસ્વીતાના કારણે સૌથી વધુ કેન્સર થતા હોય છે. દારૂ પીવાના કારણે સાત પ્રકારના કેન્સરનું જોખમ હોય છે. તેમાં લીવર, ગળા, મોઢા, સ્તન જેવા કેન્સરોનો સમાવેશ થાય છે. તમામ પ્રકારના બ્રેસ્ટ કેન્સરમાં 16.4 ટકા કારણ શરાબ હોય છે.