આપણે સહુ અને આપણું રિમોટ કંટ્રોલ!

ભગવતીકુમાર શર્મા

 

મારા સોળેક વર્ષની વયના પૌત્ર અને દોહિત્ર મારે ઘરે આવે છે ત્યારે પહેલું કામ ટીવી ચાલુ કરવાનું કરે છે. ટીવીની આસપાસ જ પડેલું રિમોટ કંટ્રોલ હાથમાં લઈ ફટાફટ સ્વિચો દબાવીને તેઓ ટીવી ચાલુ કરી દે છે. આટલેથીયે તેઓ અટકતા નથી. રિમોટ કંટ્રોલને તેઓ સતત સક્રિય રાખે છે, પરિણામે ટીવીના સ્ક્રીન પર ચેનલો બદલાયા કરે છે. પાંચ સેકન્ડ ‘સ્ટાર પ્લસ’, છ સેકન્ડ “ઝી”, ચાર સેકન્ડ “ઝી સિનેમા” એન્ડ સો ઓન! ક્યાંક ગીત ગાજી ઊઠે, ક્યાંક સંવાદોના બરાડા સંભળાય, વળી કોઈક સમાચાર વાંચતું હોય... ઠરીઠામપણું નહિવત્! સતત પરિવર્તન એ જ જાણે તેઓનો ધ્યેય!

હું મારા પલંગ પર પડ્યો પડ્યો થોડીક વાર તો ધીરજપૂર્વક આ જોયા કરું અને પછી કંટાળીને કહું, “અલ્યા, તને કોઈ એક ચેનલ પરનો મનગમતો કાર્યક્રમ સ્થિર કરીને જોતાં શું થાય છે? આ રીતે ફટાફટ ચેનલો બદલવામાં તને શી મજા પડે છે?” પણ પૌત્ર હોય કે દોહિત્ર, કોઈ મારી વાત સાંભળે જ નહીં, અને સાંભળે તો તેનો અમલ ન જ કરે. તેઓની આંગળીઓ રિમોટ પર પટાપટ થયા જ કરે!

હમણાં તો એવું બન્યું કે “કૌન બનેગા કરોડપતિ?”ની સિરિયલમાં મુંબઈનો હર્ષવર્ધન નવાથે એક કરોડ રૂપિયા જીતી ગયો તે એપિસોડ જોવા મારો દોહિત્ર આવ્યો. મને તે ગમ્યું, કેમ કે હું પણ એ એપિસોડ જોવા ઉત્સુક હતો. દોહિત્રે ટીવી ચાલુ કર્યું. કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. તે થોડોક આગળ વધ્યો પછી એન્કર-પરસન અમિતાભ બચ્ચને “ફિર મિલતે હૈં એક છોટે સે બ્રેક કે બાદ જાહેરાત કરી અને તે સાથે શરૂ થઈ ગયો જાહેરખબરનો અસહ્ય મારો. અમને બધાને તેનો સખત કંટાળો, એટલે મેં મારા દોહિત્રને ટીવીને ‘મૂગા' કરી દેવા જણાવ્યું, પણ દોહિત્રે વળી જુદો જ ખેલ કર્યો!

રિમોટને એક્ટિવ બનાવીને ફરીથી ચેનલો બદલવા માંડી અને જ્યાંથી એક કોલાહલસભર ગીત પ્રસારિત થતું હતું તે ચેનલ પર સ્થિર થયો. થોડું ગીત સાંભળ્યું ત્યાં તો “સ્ટાર પ્લસ ચેનલ', પરંતુ એડ-આક્રમણ પૂરું થવાનો સમય નજીક વર્તાયો એટલે દોહિત્રે ગીતને રઝળતું મૂકી પુનઃ 'કૌન બનેગા...” પર કૂદકો માર્યો રિમોટની સહાયથી! આવું પ્રત્યેક 'બ્રેક' દરમિયાન બનતું રહ્યું!

હું મારી કંટાળાની લાગણી છુપાવી ન શક્યો. મેં કહ્યું, “ભાઈ, થોડી મિનિટ પણ તું સ્થિર, “મૂગી” ચેનલ સહન કરી શકતો નથી?' પણ મારી વાત સાંભળે કોણ? ‘કૌન બનેગા કરોડપતિ'નો એ એપિસોડ પૂરો થયો ત્યાં સુધી તે પ્રમાણે જ ચાલ્યું. દોહિત્ર વાવાઝોડાની જેમ આવ્યો હતો અને એ જ રીતે ચાલ્યો ગયો! મને વિચાર આવ્યો, ટીવીને સંબંધ છે ત્યાં સુધી કાં રિમોટની સુવિધા રદ થવી જોઈએ અથવા ટીવી પરની ઢગલાબંધ ચેનલોની સંખ્યામાં મોટો કાપ મુકાવો જોઈએ! પરંતુ હું બરાબર સમજું છું કે આમાંનું કશું જ શક્ય નથી. ટીવીની અધધધ ચેનલો, તે બદલવા માટેનું રિમોટનું સાધન અને એ સાધનનો નિરંતર ઉપયોગ કરવાની બાળકો, કિશોરો, તરુણોની મનોવૃત્તિ : આમાંનું કશું જ બદલાવાનું નથી.

મારી અને મારા આ પૌત્ર-દોહિત્રની ઉંમર વચ્ચે બરાબર પચાસ વર્ષનું અંતર છે, પછી અમારાં વિચાર-વાણી-વર્તન વચ્ચે ક્યાંથી કશું એ મળતાપણું સંભવી શકે? અલબત્ત, હું પરિપક્વતા દાખવીને તેઓનું દૃષ્ટિબિંદુ સમજવાનો પ્રયત્ન અવશ્ય કરી શકું, અને કરું છું, બાકી તેઓ જેવા ટીનએજર્સ મારી જેમ વિચારે-વર્તે તેવી આશા-અપેક્ષા પણ મારે ન જ રાખવી જોઈએ.

આ વાત માત્ર મારા પૌત્ર-દોહિત્ર પૂરતી મર્યાદિત નથી. મેં ઘણાં વડીલોને એવી ફરિયાદ કરતાં સાંભળ્યાં છે કે તેઓનાં સંતાનો લાંબા સમય સુધી ટીવી જોયાં કરે છે એટલું જ નહિ, ટીવી જોતી વખતે તેઓ વારંવાર રિમોટ વડે ચેનલો બદલ્યા કરે છે! તેઓને ખરેખર શું જોવું છે તે જ કદાચ તેઓ નક્કી કરી શકતાં નથી!

સત્તરેક વર્ષ પહેલાં અમારા ઘરમાં ટીવી આવ્યું ત્યારે એક તો તે બ્લેક એન્ડ વ્હાઇટ હતું, બીજું તેના પર માત્ર 'દૂરદર્શન’ની ચેનલ આવી શકતી હતી અને ત્રીજું, ત્યારે કોઈએ ‘રિમોટ કંટ્રોલ’નું નામ પણ સાંભળ્યું ન હતું. મને આ ત્રણેય બાબતો ઘણી અનુકૂળ અને પસંદ હતી, કેમ કે બાળપણથી હું માત્ર બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો જ જોવા ટેવાયેલો હતો. આજે પણ ફિલ્મ તો બ્લેક એન્ડ વ્હાઇટ જ હોવી જોઈએ એવી મજબૂત ગ્રંથિ મારા મનમાં બંધાયેલી છે. રંગીન ફિલ્મો પણ મેં ઘણી જોઈ છે, પરંતુ આજે તે રંગીન અને શ્યામ-ધવલ એમાંથી એક ફિલ્મ જોવાની હોય તો હું નિઃશંક શ્વેત-શ્યામ ફિલ્મ જોવાનું પસંદ કરું!

એ દૃષ્ટિએ હું પૂરો જુનવાણી અથવા ભૂતકાળપ્રેમી છું. આથી ટીવી જ્યાં સુધી બ્લેક એન્ડ વ્હાઈટ હતું ત્યાં સુધી તે ખરેખર મારા પ્રિયપાત્ર સમાન હતું. ટીવી રંગીન બન્યું અને મારા મન પરથી ઊતરી ગયું! તેવું જ ચેનલ વૈવિધ્યનું. ‘દૂરદર્શન' ચેનલના દર્શક બનીને મેં ટીવી-વ્યુઅર તરીકેની “કારકિર્દી શરૂ કરી હતી. આજે ચેનલોનો મેળો ભરાયેલો છે તોયે મારી ડી.ડી.-વફાદારી અકબંધ છે!

ટીવી જોવાનું મારું સાવ ઘટી ગયું છે, પણ જ્યારે જોઉં છું ત્યારે મારી પહેલી પસંદગી ‘દૂરદર્શન' પર ઊતરે છે. બીજું કાંઈ નહીં તો તેમાં ભારતીયતાનો સ્પર્શ તો અનુભવાય છે. ચેનલોના ટોળા સાથે હજી હું મારા મનનો મેળ પાડી શક્યો નથી. આટલી બધી ચેનલો શા માટે હોવી જોઈએ એ પ્રશ્નનો કોઈ તાર્કિક ઉત્તર હજી સુધી હું શોધી શક્યો નથી. એ મારી પણ મર્યાદા હોઈ શકે. અને જ્યારે આ ચેનલ-રાફડો મારે ગળે ઊતરી શકતો નથી ત્યારે મને રિમોટની ઉપયોગિતા ન સમજાય, ઊલટું તે વિક્ષેપકર્તા લાગે તેમાં શી નવાઈ? ધારું તો હું હજી બ્લેક એન્ડ વ્હાઈટ, ઢગલાબંધ ચેનલો વિનાના અને રિમોટલેસ ટીવીયુગમાં પાછો જઈ શકું તેમ છું, પરંતુ કુટુંબીજનોની લાગણીને અવગણવા જેટલો હું અલોકતાંત્રિક નથી! મેં લગભગ સંપૂર્ણ ટીવીથી અલિપ્ત થઈને આશ્વાસન મેળવી લીધું છે.

પણ આ ચેનલ વૈવિધ્ય અને રિમોટ વડે તેને સતત બદલી શકવાની સુવિધા અને મનોવૃત્તિ એ બધું, આજના સમયની તાસીરને અનુરૂપ જ છે અને તેથી તે સંદર્ભમાં તેનો સ્વીકાર કર્યે જ છૂટકો.

બાળકો, કિશોરો, તરુણોનાં તેમની ઉંમરને અનુરૂપ કેટલાંક વિશિષ્ટ ગુણો અથવા લક્ષણો હોય છે. ચંચળતા, અધીરતા, અજંપો, ઉતાવળિયાપણું વગેરે તેમાં મુખ્ય છે. યુવાવસ્થામાં પણ તેનું સાતત્ય મહદ્ અંશે જળવાય છે. કેટલાક પ્રૌઢો શું, કોઈક કોઈક વૃદ્ધોમાં પણ તે લક્ષણો જોવા નથી મળતાં?

હવે ખૂણામાં બેસી રહેતાં, 'નિશાળેથી નીકળી જવું પાંસરા ઘેર' એ શિખામણનું પાલન કરતાં બાળકો, કિશોર-કિશોરીઓનો યુગ આથમી ગયો છે. એકસરખું, એકધારું જીવન એ આજના યુગના માનવીઓની પહેલી પસંદગી રહી નથી.

વિવિધતા એ આજનું પ્રમુખ આકર્ષણ છે. પરિવર્તન જ નહીં, અતિ ઝડપી પરિવર્તન એ આજની અપેક્ષા છે. મારો એક પરિચિત ટીનએજર છોકરો બિન્ધાસ્તપણે કહે છે, ‘હું મોટો થઈશ પછી દર બે વર્ષે વાઇફ બદલતો રહીશ!' આવતી કાલની આ વાસ્તવિકતા છે. કેટલાયે માણસોને નોકરી બદલવાની હોબી હોય છે. અમેરિકામાં દર છ મહિને ઘર બદલનાર અસંખ્ય લોકો મળી આવે! શીઘ્ર પરિવર્તન દ્વારા જ પ્રગતિ શક્ય છે તેવી આજના યુગની ઘણી વ્યાપક અને દઢ માન્યતા છે. સ્થિરતાને હવે લોકો બંધિયાર અને પ્રગતિ વિરોધી માને છે. જે ધ્રુવને ત્યજીને અધ્રુવનું સેવન કરે છે તેનું ધ્રુવ નષ્ટ થાય છે' તેવા ભાવાર્થના જાણીતા સુભાષિતનો હવે ભાગ્યે જ કોઈ મહિમા કરે છે. હવે તો અઘ્રુવ તે જ ધ્રુવ અર્થાત્ અસ્થિર તે જ સ્થિર!

જીવનમાં કશું જ સ્થાયી નથી તો પછી નોકરી-ધંધા, ઘર, જીવનસાથી, ચેનલ વગેરેમાં સ્થાયી ભાવ શોધવા-જાળવવાની  લમણાઝીક શા માટે કરવી! 'વિવિધતામાં એકતા' એ જો ભારતની ભાતીગળ ભવ્યતા ગણાતી હોય તો જીવનનાં શક્ય એટલાં બધાં ક્ષેત્રોમાં વિવિધતાની ઉપાસના કેમ ન કરવી? આપણે કપડાં, ફેશન, પગરખાં, ફર્નિચર, ઘણુંબધું બદલતાં રહીએ છીએ તો બીજું પણ કેમ ન બદલવું! કપડાં, જૂતાં બધું જૂનું, આઉટડેટેડ થાય છે, તેનાથી ઉબાઈ જવાય છે તો જીવનસાથીઓને પરસ્પરનો, વખત જતાં, કંટાળો ન આવે શું?!

હું છેલ્લાં સુડતાલીસ વર્ષથી એક જ ઠેકાણે નોકરી કરું છું, પણ મારા ક્ષેત્રના કેટલાક યુવાનોને મેં દર છ મહિને નોકરી, અને કેટલાકને તો લાઈન બદલતાં પણ જોયા છે! તેઓ કરતાં હું આવકની બાબતમાં રજમાત્ર વધારે સંપન્ત નથી એટલું હું ખાતરીપૂર્વક કહી શકું. જોકે મને તેનો લેશમાત્ર રંજ નથી તે જુદી વાત છે.

રિમોટ કંટ્રોલ વિશ્વની નિત્ય, બલકે ક્ષણક્ષણની પરિવર્તનશીલતાનું સાધનરૂપ પ્રતીક છે. રિમોટ વડે હજી તો કેટલીક યાંત્રિક રચનાઓ જ મુખ્યત્વે બદલાય છે, પરંતુ ભવિષ્યે કદાચ એવાં રિમોટ શોધાશે કે જેની એક સ્વિચ દબાવતાં પતિ કે પત્ની બદલી શકાય, બીજી સ્વિચ વડે નોકરી, ત્રીજી વડે મકાન, ચોથી વડે થાળીમાંના ભોજનની વાનગીઓ, પાંચમી વડે બુકશેલ્ફમાંનાં પુસ્તકો, છઠ્ઠી વડે કપડાં, સાતમી વડે ફર્નિચર, આઠમી વડે બૂટ-ચંપલ... અને ઘણુંબધું પટાપટ બદલી શકાશે! અને ત્યારે આપણું જીવન સાચા અર્થમાં મલ્ટીચેનલ ટીવી સેટ જેવું બની જશે!