લોગ વિચાર.કોમ
અમિતાભ બચ્ચન 6 એપ્રિલે રામનવમીના પાવન પર્વે અયોધ્યામાં બિરાજમાન રામલલાનાં દર્શન કરાવશે. હકીકતમાં ઘઝઝ પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર પર રામનવમીના દિવસે સવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અયોધ્યાના રામ મંદિરથી રામનવમીનો ઉત્સવ લાઇવ ટેલિકાસ્ટ થવાનો છે.
આ ઉત્સવને ઘરે બેસીને માણી શકાશે. આ લાઇવ સ્ટ્રીમિંગની ખાસ વાત એ છે કે, એની સાથે-સાથે મહાનાયક અમિતાભબચ્ચન રામકથાની પ્રેરક વાર્તાઓ પણ સંભળાવશે.
આ દરમ્યાન અમિતાભ બાળકો સાથેનું એક સેશન પણ હોસ્ટ કરશે, જેમાં તેઓ ખાસ વાર્તાઓ અને દોહાઓને પોતાની સ્ટાઇલમાં જણાવશે. આ લાઇવ સ્ટ્રીમિંગમાં રામનવમીની વિશેષ પૂજા, મંદિરોનાં પવિત્ર અનુષ્ઠાન, ભદ્રાચલમ, પંચવટી, ચિત્રકૂટ અને આરતીનું પણ સ્ટ્રીમિંગ થશે. આ સિવાય કૈલાસ ખેર અને માલિની અવસ્થી જેવાં ગાયકોની સાંસ્કૃતિક અભિવ્યક્તિ પણ દર્શાવવામાં આવશે.
પોતાના આ પ્રયાસ વિશે અમિતાભે કહ્યું કે ‘આવા પવિત્ર અવસરનો હિસ્સો બનવા મળે એ બહુ સન્માનની વાત છે. રામનવમી એક તહેવાર જ નથી, પણ ગહન ચિંતનની ક્ષણ છે. એ ધર્મ, ભક્તિ અને ધાર્મિકતાના આદર્શોને અપનાવવાનો સમય છે.’