લોગવિચાર :
ગુજરાતી ફિલ્મોની દુનિયામાં લગ્નોની મોસમ જાણે પુર બહારમાં ખીલી છે. પહેલા ગુજરાતી ફિલ્મોનાં સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને એકટ્રેસ પુજા જોશીના લગ્ન થયા અને હવે ગુજરાતી ફિલ્મોની સુપરહીટ એકટ્રેસ આરોહી પટેલ અને એકટર તત્સત મુનશી લગ્ન બંધનમાં બંધાઈ ગયા છે. આરોહી અને તત્સત ઓમ મંગલમ સિંગલમ સહિત કેટલીક વેબ સિરીઝમાં એકબીજા સાથે કામ કરી ચૂકયા છે.
છેલ્લા ઘણા દિવસોથી તેમના બન્નેના ઘર રોશનીથી સજાવેલા હતા તેમજ તાજેતરમાં તત્સત મુનશીને ત્યાં ગાયક હાર્દિક દવે, કિંજલ દવે અને જિગરાની સંગીત બેઠક પણ યોજાઈ હતી. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં સિતારાઓએ હાજરી આપી હતી. પરંતુ આરોહી કે તત્સતનાં પરિવાર તરફથી લગ્ન અંગે કોઈ સતાવાર જાહેરાત કરાઈ નહોતી.
તેમની મહેંદી અને પીઠીના કેટલાંક વિડીયો બે દિવસથી સોશ્યલ મિડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. જેમાં આરોહીના માતા પિતા ગુજરાતી ફિલ્મોના જાણીતા ડાયરેકટર અને પ્રોડયુસર સંદીપ પટેલ અને આરતી વ્યાસ પણ દેખાતા હતા.
શુક્રવારે ઉદયપુર ખાતે તેમનાં ડેસ્ટીનેશન વેડીંગ યોજાયા હતા. પોતાના લગ્નમાં આરોહી તથા તત્સત બન્નેએ વ્હાઈટ કપડા મેચીંગ કર્યા હતા. આરોહીએ રેડ બ્લાઉઝ સાથે વ્હાઈટ સાડીમાં સિમ્પલ અને મિનિમલ લુક પસંદ કર્યો હતો.
આ સાથે તેણે ખુલ્લા વાળ અને મિનિમલ જવેલરી પહેરી હતી. તો તત્સત મુનશીએ વ્હાઈટ શેરવાની પહેરી હતી. તેમણે બન્નેએ પોતાના લગ્નની તસ્વીરો શેર કરીને કેપ્શનમાં લખ્યુ હતું. ‘પ્યાર દોસ્તી હૈ’ તેમની આ પોસ્ટ બાદ નવ દંપતિને શુભેચ્છાઓનો વરસાદ થયો હતો.