ગમે તેટલો દંડ વધારો ટ્રાફિક ઉલ્લંઘનથી થતા અકસ્માતો ઘટતા નથી : ગડકરી

લોગવિચાર :

દેશમાં વધતા જતા વાહનો અને માર્ગોની નબળી પરિસ્થિતિ ઉપરાંત ટ્રાફિક સેન્સના અભાવના કારણે ટ્રાફિક ભંગના  કેસ અને ખાસ કરીને અકસ્માતો વધી રહ્યા છે તેના પર અફસોસ દર્શાવતા કેન્દ્રીય માર્ગ વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, ટ્રાફિક દંડ ગમે તેટલો વધારો પરંતુ તેનાથી ટ્રાફિક ભંગના કેસ ઘટતા નથી અને વાસ્તવમાં આપણે  માર્ગનો ઉપયોગ કરનારની ટ્રાફિક સેન્સ બદલવાની જરૂર છે.

ગડકરીએ જણાવ્યું કે, મોટર વ્હીકલ એકટ 2019માં ટ્રાફિક નિયમનો ભંગ બદલ ભારે દંડ અને લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઇ છે પરંતુ લોકો ટ્રાફિક નિયમોને ગંભીરતાથી લેતા નથી અને દંડ કેટલો વધારવો તે પણ પ્રશ્ન છે. દેશમાં ટ્રાફિક ઉલ્લંઘનના કેસો વધી રહ્યા છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા 2019માં 1.59 લાખ હતી તે 2022માં 1.68 લાખ સુધી પહોંચી ગઇ છે.

ગડકરીએ કહ્યું કે, કાનુન લાગુ કરવા છતાં પણ માર્ગ અકસ્માત કે મૃત્યુની સંખ્યામાં કોઇ ઘટાડો થયો નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આપણે બસ અને ટ્રક ચાલકોને ટ્રાફિક અંગે તાલીમ આપવી પડશે. જો તેઓ નિયમોને માનવા લાગશે તો સંભવ છે કે અકસ્માત અને મૃત્યુની સંખ્યા આપણે ઘટાડી શકીએ.

તેમને ઉમેર્યુ કે, ભારતીય રોડ ઉપરના ટ્રાફિકમાં લેન ડીસીપ્લીનનો સંપૂર્ણ અભાવ છે. અનેક લેનના માર્ગ બનાવાયા હોવા છતાં વાહન ચાલક તેનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી. ઉપરાંત માર્ગો ઉપર મહતમ સ્પીડ અંગેના નિયમો છે. તેનો ભાગ્યે જ પાલન થાય છે.

તેઓએ ઉમેર્યુ કે, દ્વિચક્રી વાહનો ચલાવનારમાં મૃત્યુની સંખ્યા વધુ છે અને 2022માં હેલ્મેટ નહીં પહેરવાથી 50 હજારથી વધુના મૃત્યુ થયા. વાહનની સાથે હેલ્મેટ ફ્રી અથવા ઓછા ભાવે આપવા જરૂરી છે. જોકે જેઓ પાસે હેલ્મેટ છે તેઓ પણ ભાગ્યે જ તેનો ઉપયોગ કરતા હોય છે.

અકસ્માતગ્રસ્તોને 48 કલાક ફ્રી સારવારની યોજના હવે દેશભરમાં લાગુ થશે

દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ સેફટી કોન્ફરન્સમાં સંબોધન કરતા નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલએ જણાવ્યું હતું કે ટુંક સમયમાં સરકાર દેશભરમાં અકસ્માતનો ભોગ બનનારને પ્રથમ 48 કલાક માટે મફત મેડીકલ સારવારની યોજના અમલમાં મૂકવા જઇ રહી છે.

તેમને કહ્યું કે, આ યોજનાનો પાયલોટ પ્રોજેકટ ચંદીગઢમાં અમલમાં મુકાયો હતો. તે સફળ રહ્યો છે અને તેના કારણે માર્ગ અકસ્માતોમાં ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મેળવવામાં પણ મદદ થઇ છેે.

જે હવે  દેશભરમાં 247 ઉપલબ્ધ બનાવવા તૈયારી છે. અને તેના માટે નેશનલ એમ્બ્યુલન્સ સર્વિસનો જે કાફલો છે તેમાં  વધુ 16 હજાર વાહનો ઉમેરાશે અને ટેલી હેલ્થ સર્વિસને પણ વધુ આધુનિક બનાવાશે.