લોગ વિચાર :
ગુજરાત સહિત દેશભરમાં ઉનાળાનું આગમન વહેલુ થઈ જ ગયુ હતું ત્યારે અત્યારે માર્ચમાં જ એપ્રિલ જેવી આકરી ગરમી વરસવા લાગી છે. ઉતર પ્રદેશથી રાજસ્થાન સુધી લુ ફુંકાવાની-હિટવેવની સ્થિતિ સર્જાવાની ચેતવણી જારી કરવામાં આવી છે.
પાટનગર દિલ્હીમાં સામાન્ય રીતે એપ્રિલ મહિનાથી તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર થતો હોય છે. પરંતુ ગઈકાલે જ પીતમપુરા તથા રિઝમાં મહતમ તાપમાન 40 ડીગ્રીને વટાવી ગયુ હતું. જેને પગલે પાટનગરવાસીઓ અકળાયા હતા.
હવામાન વિભાગે નવી આગાહીમાં એવી ચેતવણી આપી છે કે દિલ્હી ઉપરાંત ઉતર પ્રદેશ, વિહાર, રાજસ્થાન તથા સમગ્ર મધ્ય ભારતમાં આવતા દિવસોમાં આકરી લુ ફુંકાવાની શકયતા છે.
મધ્ય ભારતમાં ગુજરાત-મહારાષ્ટ્ર જેવા રાજયોનો પણ સમાવેશ થઈ જાય છે. પર્વતીય રાજયોમાં પણ હવામાનનો મિજાજ બદલાયેલો છે. એક નવા વેસ્ટર્ન ડીર્સ્ટબન્સને કારણે આ રાજયોમાં હવામાન પલટાની અસર દેખાવાની સંભાવના છે અને તેમાં વરસાદ તથા હિમવર્ષા પણ થઈ શકે છે.
મધ્ય ભારતમાં સામેલ મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં ભીષણ ગરમીનું એલર્ટ અપાયું છે. અકોલા જીલ્લામાં એલર્ટ જારી કરાયું છે. તામીલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક જેવા રાજયોમાં પણ તાપમાન 40 ડીગ્રીને આંબવા સાથે આકરી ગરમીની શકયતા દર્શાવવામાં આવી છે.
બેંગ્લોર ચેન્નાઈમાં તાપમાન નોર્મલ કરતા વધુ છે. આવતા દિવસોમાં લુ ફુંકાઈ શકે છે. હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય રાજયોમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ વરસાદ-હિમવર્ષાની સંભાવના છે. કિન્નોર, લાહોલ-સ્પિતિ, મંડી, કુલુ, સિમલા, સોલન, ચંબા જેવા ભાગોમાં હવામાન પલટાશે.
હીટવેવની સંખ્યા ડબલ રહેશે:હવામાન વિભાગની ચેતવણી
ભારતીય હવામાન વિભાગે ઉનાળાની વર્તમાન સિઝનમાં હીટવેવની સંખ્યા ડબલ રહેવાની આગાહી કરી છે.હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક સોમાસેન રોયે કહ્યુ કે સામાન્ય રીતે સિઝનમાં પાંચથી છ દિવસ હીટવેવ સર્જાતા હોય છે. પરંતુ આ વખતે સંખ્યા 10 થી 12 ની રહી શકે છે. જે સામાન્ય કરતા ડબલ હશે.
ખાસ કરીને પશ્ચિમ તથા મધ્ય ભારતમાં સામાન્ય કરતા વધુ હીટવેવ રહેશે.માર્ચ મહિનાથી જ સુર્યકોપ વરસવા લાગ્યો હોવાથી તાપમાન વધવા લાગ્યુ છે. ગરમીની અસર અર્થતંત્ર પર પણ થઈ શકે છે.
ખાસ કરીને કૃષિ, શ્રમિકો તથા ઉદ્યોગ ક્ષેત્ર પ્રભાવીત થાય છે. ગત વર્ષે હીટસ્ટ્રોકનાં 40,000 થી વધુ કેસમાં 733 ના મોત થયા હતા. અત્યાધિક ગરમીથી ભારત 2030 સુધીમાં વર્ષે 5.8 ટકા કામકાજના કલાકો ગુમાવવા પડશે.