લોગવિચાર :
મણિપુરમાં આંતરિક હિંસા ફરી એક વખત ઉભી થઇ છે અને તે વખત પાડોશી મ્યાનમારમાંથી 900 જેટલા આતંકીઓ આ રાજ્યમાં ઘુસી આવ્યા હોવાનો ગુપ્તચર રીપોર્ટ આવતા સુરક્ષા એજન્સીઓ સાબદી થઇ ગઇ છે અને પહાડી વિસ્તારમાં સુરક્ષા વધારી છે. 30 થી 40ના સમુહમાં આ આતંકીઓ ઘુસી આવવાનું મનાય છે.
ખાસ કરીને રાજ્યના કુકી બહુમતી વિસ્તારોમાં તેઓ ઘુસ્યા છે ત્યાં અગાઉથી જ તનાવ છે અને અહીં વસતા મૈતેઇ સમુદાયને ટાર્ગેટ કરે તેવો ભય છે. ચાલુ માસથી મણિપુરમાં ફરી એક વખત હિંસા વધી રહી છે અને મણિપુર ખીણ વિસ્તારમાં હાલમાં જ પાંચ લોકોની હત્યા કરવામાં આવી હતી.
કુકી આદિવાસી મનાતા આ ત્રાસવાદીઓને ભારે શસ્ત્રો અપાયા હોવાની માહિતી છે. સુત્રોના જણાવ્યા મુજબ હવે ચીન પણ મ્યાનમારના મારફત મણિપુરમાં હિંસા ભડકાવા માટે કોશિષ કરી રહી છે અને તેના કારણે મણિપુર પોલીસ અને આસામ રાઇફલને મહત્તમ એલર્ટ પર મુકવામાં આવી છે.