દિપોત્સવી પર્વ પર અયોધ્યા સોલ શણગારવામાં આવશે

લોગવિચાર :

દિપોત્સવી પર્વ નિમિતે રામનગરીને સજાવવાની તૈયારી શનિવારથી જ શરૂ થઈ ગઈ છે. અવધ યુનિવર્સીટીના 7 હજાર વોલીયેટર્સ પહેલા દિવસે જ પાંચ લાખ દિવા ઘાટો પર સજાવી દીધા છે. રવિવારથી પૂરા 30 હજાર વોલીયેન્ટર્સ 55 ઘાટો પર 28 લાખ દિવા સજાવવા માટે મોકલવામાં આવશે.

દિવાને સજાવ્યા બાદ તેની સુરક્ષાની જવાબદારી 30 ઓકટોબર સુધી નિભાવવાની જવાબદારી સુરક્ષા સમિતિને સોંપવામાં આવી છે. આ ઉપરાંત રામમંદિરે જતા માર્ગ પર ચાર ગેટ બનાવાશે. આ ગેટને સજાવવા માટે 10 કિવન્ટલ ફૂલ મંગાવવામાં આવ્યા છે.

યુનિવર્સીટીનાં દિપોત્સવ સમન્વયક ડો.સંતશરણમિશ્રે જણાવ્યુ હતું કે રવિવારે સરસવના તેલની 68 હજાર બોટલો પર ઘાટો પર પહોંચાડવામાં આવશે.28 ઓકટોબર સુધીમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ સજાવાયેલા દિવાની ગણતરી કરશે. તેમાં 25 લાખ દિવાને પ્રગટાવવાનો વિશ્ર્વ રેકોર્ડ થશે.30 ઓકટોબરે સવારથી સાંજ સુધીમાં દિવામાં તેલ અને વાટ નાખવાથી કામ પુરૂ કરી સાંજે 28 લાખ દિવાને પ્રગટાવવામાં આવશે.

અવધ યુનિવર્સીટીનાં વી.સી.પ્રો.પ્રતિભા ગોયલે સમિતિનાં સંયોજકો તેમજ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. વીસીએ બધાને એક થઈને દિપોત્સવને સફળ બનાવવાનું કહ્યુ હતું.

દિવાળી 31 ઓકટોબરે ઉજવાશે: વિશ્ર્વ હિન્દુ પરિષદનુ એલાન
દિવાળીનુ પર્વ 31 ઓકટોબરે ઉજવવુ કે 1લી નવેમ્બરે તે વિશે અટકળો-વિવાદ ચાલી રહ્યો છે તેવા સમયે વિશ્ર્વ હિન્દુ પરિષદે 31 ઓકટોબરે તેની ઉજવણી કરવાનુ એલાન કર્યુ છે. વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રવકતા શરદ શર્માએ જણાવ્યુ હતું કે અમાવસ્યાએ દિવાળી ઉજવાય છે. 31 ઓકટોબરે બપોરથી અમાવસ્યા બેસી જાય છે એટલે 31 ઓકટોબરની રાત્રે જ દિવાળી ઉજવવાની રહેશે. ધાર્મિક-આધ્યામિક તથા ઉજવણીના કાર્યક્રમો 31મીએ જ યોજાશે.

જય શ્રીરામનો ઉદ્ઘોષ કરી વોલિયન્ટર્સ રવાના
અવધ યુનિવર્સીટીના વોલીયન્ટર્સ શનિવારે સવારે સફેદ ટીશર્ટ અને કેપ લગાવીને બસોથી રામ કી પેડી રવાના થયા હતા અને જયશ્રીરામનો ઉદઘોષ કર્યો હતો. મીડીયા પ્રભારી વિજેન્દુ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આઈકાર્ડ વિના ઘાટ પર કોઈને પ્રવેશ નહીં મળે.

કેનવાસ પર બની રહ્યું છે પુષ્પક વિમાન
લતા ચોકની પાછળ કેનવાસ પર એક પુષ્પક વિમાન બનાવવામાં આવી રહ્યું છે. તેને બનાવી રહેલી કંપનીના સાબિના જેટલીએ જણાવ્યું હતું કે પુષ્પક વિમાન એક સેલ્ફી પોઈન્ટ પણ રહેશે. રામ કી પેડી પર રામનો દરબાર બનાવાશે જેમાં ભગવાનનું સ્વરૂપ બેસશે.