Bam Bam Bhole : ગિરનાર ભવનાથની તળેટીમાં પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ

લોગ વિચાર :

જુનાગઢ ભવનાથ તળેટીમાં પરંપરાગત રીતે ઉજવાતો મહાશિવરાત્રીનો મેળો આજે મહા વદ નોમના દિવસે વિધિવત રીતે પ્રારંભ થઇ ચુકયો છે.
સવારે 9 કલાકે શાસ્ત્રોકતવિધિ મંત્રોચ્ચાર સાથે ભવનાથ દાદાના મંદિરના પટાંગણમાં વૈદિકવિધિ સાથે જુનાગઢ જીલ્લાના પ્રથમ નાગરિક સમાહર્તા અનિલ રાણાવસીયાના હસ્તે ધ્વજા અને સ્થંભનું પૂજનવિધિ કરવામાં આવી હતી.

આ પૂજનવિધિમાં જીલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, કમિશ્નર ઓમપ્રકાશ ફોરેસ્ટ વિભાગના જોષી, અધિક કલેકટર ચૌધરી, જીલ્લા આરોગ્ય અધિકારી અને તેમની ટીમ ભવનાથદાદા મંદિરના મહંત હરિગીરી, સેલજાદેવી, વિવિધ ક્ષેત્રોમાંથી પધારેલા સંતો-મહંતો ગાદીપતિઓ, થાનાપતિઓ, મઠાધીશો, જુનાગઢના ધારાસભ્ય, અન્ય આગેવાનો સહિતનાઓની હાજરીમાં પૂજનવિધિ બાદ ભવનાથ દાદાના મંદિરના શીખરે પર ગજની ધજા ચડાવી હર હર મહાદેવ, બમ બમ ભોેલેના નાદ સાથે મેળા વિધિવત ખુલ્લો મુકાયો છે.

પ્રથમ દિવસે પાંખી હાજરી જોવા મળી રહી છે. ચોથા શનિવાર અને રવિવારની રજા હોવાથી શહેરીજનોની હાજરી મેળામાં જોવા મળી રહી છે. સોમવારથી મેળાનો માહોલ છેલ્લા ત્રણ દિવસ જામશે હાલ ખેતીની સીઝન (રવીપાક) પણ તૈયાર થઇ રહ્યો છે. ઘઉ, ધાણા, જીરૂ, લસણ, ડુંગળી સહિતના પાકોની કાપણીની તૈયારીઓ થઇ રહી છે.

ઉપરાંત પ્રયાગરાજના કુંભ મેળામાં પણ લગભગ ઘરે ઘરે, મહોલ્લે મહોલ્લે ગામે ગામ શહેરમાંથી લોકો જઇ રહ્યા છે. ત્યાં પણ હવે આખરી સ્નાન મહાશિવરાત્રીના હોવાથી 144 વર્ષ બાદ આ સૃષ્ટિની એક પણ વ્યકિત હૈયાત નહીં હોય તેવા આયોગના કારણે લોકો ગંગાના ત્રિવેણી સંગમના સ્નાન માટે જઇ રહ્યા છે. નાગાબાવા સાધુઓ, પીઠાધિપતિઓ મહામંડલેશ્વરો, થાનાપતિઓ પણ આ પ્રયાગરાજના મેળામાં હજુ રોકાયેલા છે.

જેમાં આખરી છઠ્ઠુ સ્નાન મહાશિવરાત્રીના  દિવસે હોય જેના કારણે જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં આ વર્ષે તેની અસર જોવા મળશે. તેવું માનવામાં આવે છે. પ્રયાગરાજના મહાકુંભમાં 45 કરોડની સંખ્યા સામે 60 કરોડની મેદનીને વટાવી જાય તેવા આખરી દિવસોમાં ધસારો જોવા મળી રહ્યો છે.

આગંતુકો યાત્રીકોને વિનામૂલ્યે ભરપેટ ગરમાગરમ ભોજન પરીસવા માટે 150થી વધુ અન્નક્ષેત્રો કાર્યરત થઇ ચુકયા છે. ઠેરઠેર હરિહરનો નાદ સંભળાઇ રહ્યો છે. પોતાના પૂજય માટે મેળામાં આવતા આગંતુકો માટે રાત-દિવસ ભોજન કરાવવા દેશાવરમાંથી અહીં લોકો આવે છે. મંદિરો-મઠો ઉતારાઓ, જ્ઞાતિ સમાજના ઉતારા મંડળોમાં લોકોની હાજરી પાંખી પ્રથમ દિવસે જોવા મળી રહી છે.

નાગા સાધુઓના ધુણા આજથી પ્રજવલીત થઇ ચુકયા છે. ગાયના છાણાથી લીપી પોતપોતાના ધર્મના નિશાનના ફોટા લગાવી બમ બમ ભોલેના નાદ સાથે મેળામાં આવતા લોકો માટે નાગા બાવાના ધુણા સૌથી આકર્ષિત જોવા મળી રહ્યા છે. ગાંજા, ભાંગના પ્યાસીઓની સંખ્યા સાધુઓ પાસે જોવા મળી રહી છે.

મેળામાં 2500થી વધુ પોલીસ તૈનાત રહેશે. એસ.ટી. બસો 250થી વધુ બસો દોડાવશે. મેળામાં 70 મીની બસો મુકવામાં આવી છે.  300થી વધુ ટયુબલાઇટો, 1ર કંટ્રોલ રૂમ, 60 પાણીની ટાંકીઓ, પ મોબાઇલ ટોયલેટ, છ એમ્બ્યુલન્સ, 150 સફાઇ કર્મીઓ, 6 પાર્કિંગ સુવિધાઓ, 6 ફાયર સ્ટેશન, બે પ્રવાસન માહિતી કેન્દ્ર, હાઇમાસ્ટર ટાવર 7, રાવટીઓ 27 ઉભી કરાઇ છે.

જંગલી પ્રાણીઓ પર વોચ
મેળા આસપાસ પાંજરા મૂકાયા: સફારી પાર્ક બંધ
ગીરનાર તળેટીમાં આ મહા શિવરાત્રીના મેળામાં ગીરનાર અભ્યારણ જંગલમાં વસવાટ કરતા સિંહ દીપડા સહિતના જંગલી પ્રાણીઓ પર નજર રાખવા વન વિભાગે જુદી જુદી ટીમો બનાવી રાવટીઓ ઉભી કરી છે. ટ્રેકટર ટીમ, સર્ચ ટીમ, રેસ્કયુ ટીમ સાથે પાંજરા મુકાયા છે. જંગલી પ્રાણીઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. ગીરનાર સફારી પાર્ક 5 દિવસ માટે બંધ રહેશે.

ભવનાથમાં કંટ્રોલ રૂમ શરૂ
જીલ્લા આપત્તિ વ્યવસ્થા કેન્દ્ર: 0285-2633446, 2633447/48
સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ઝોનલ ઓફીસ: 0285-2622140, 2612506
દત્તી ચોક-માહિતી કેન્દ્ર: 0285-2612507, 2612508
પોલીસ ઈમરજન્સી: 0285-2630603, 2632373
ફોરેસ્ટ કંટ્રોલ રૂમ: 0285-2633700 (100)
ફાયર ઈમરજન્સી: 0285-2620841, 265401 (101)
એમ્બ્યુલન્સ ઈમરજન્સી: 7405518813.