હવે ભૂતપૂર્વ ક્રિકેટરો પર રૂપિયાનો વરસાદ થશે! BCCI સેક્રેટરી જય શાહે નિવૃત્ત ખેલાડીઓને IPL શરૂ કરવા કહ્યું

લોગ વિચાર :

વિશ્વભરમાં T-20ની વધતી જતી લોકપ્રિયતાનો લાભ લેવા માટે શરૂ કરવામાં આવેલી વિવિધ લિજેન્ડ્સ લીગમાં અનિયમિતતા અને વિવિધ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) હવે પોતાની સ્પર્ધા શરૂ કરી રહ્યું છે. IPL ની જેમ લિજેન્ડ્સ પ્લેયર્સની એક પોતાની લીગ હોય શકે તેવું આયોજન વિચારી રહ્યું છે.

હાલમાં, વિશ્વભરમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓની લીગ રમાઈ રહી છે, જેમાં મુખ્ય છે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ, ગ્લોબલ લેજેન્ડ્સ લીગ, લિજેન્ડ્સ લીગ ક્રિકેટ જેમાં સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, સુરેશ રૈના, હરભજન સિંહ, અંબાતી રાયડુ સહિત ઘણા ભારતીય ખેલાડીઓ આ લીગમાં રમે છે.

આ ઉપરાંત નિવૃત વિદેશી ખેલાડીઓ જેમકે મુથૈયા મુરલીધરન, સનથ જયસૂર્યા, ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ, એબી.ડી વિલિયર્સ જેવા ઘણા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પણ આ લીગમાં રમે છે. BCCI હાલમાં IPL અને વુમન્સ પ્રીમિયર લીગ (WPL)નું આયોજન કરે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં ભારતના કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓ BCCI સચિવ જય શાહને મળ્યા હતા અને તેમને લિજેન્ડ્સ લીગનું આયોજન કરવા વિનંતી કરી હતી. પૂર્વ ક્રિકેટર ઈચ્છે છે કે આઈપીએલની જેમ લિજેન્ડ્સ લીગનું આયોજન કરવામાં આવે.શહેરોના આધારે ફ્રેેન્ચાઈઝી ટીમો હોવી જોઈએ અને વિશ્વભરના ખેલાડીઓ માટે બોલી લગાવવી જોઈએ.

બીસીસીઆઈએ આ દરખાસ્ત પર શક્યતાઓ શોધવાનું આશ્વાસન આપ્યું છે અને જો બધું બરાબર રહેશે તો ભારતના દર્શકો પણ ભૂતપૂર્વ મહાન ખેલાડીઓ વચ્ચેની લિજેન્ડ્સ લીગનો આનંદ માણી શકશે.

આ વાતની પુષ્ટિ કરતા BCCI ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અમને આ સંબંધમાં પૂર્વ ક્રિકેટરો તરફથી પ્રસ્તાવ મળ્યો છે, જેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે, તે હજુ પ્રસ્તાવના તબક્કામાં છે." જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું આ લીગ આ વર્ષે યોજાઈ શકે છે.

તો તેણે કહ્યું કે ના, આટલું જલ્દી શક્ય નથી. આ વિશે આવતા વર્ષે ચોક્કસપણે વિચારી શકાય છે. આમાં તે ખેલાડીઓ રમશે જેઓ પોતાના દેશમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે અને આઈપીએલમાં પણ નથી રમ્યા.