લોગ વિચાર :
બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ રવિવારે પૂર્વ ભારતીય કોચ અંશુમન ગાયકવાડને કેન્સરની સારવાર માટે તાત્કાલીક રૂા.એક કરોડનું ભંડોળ આપવાની જાહેરા કરી છે. અગાઉ ભારતીય ટીમનાં પૂર્વ સુકાની કપિલદેવ અને ખેલાડી સંદીપ પાટીલે બીસીસીઆઈને ગાયકવાડને કેન્સરની સારવારમાં મદદરૂપ થવા માટે અપીલ કરી હતી.
ત્યારબાદ રવિવારે બીસીસીઆઈ એપેકસ કાઉન્સીલે ભારતના વરિષ્ઠ ક્રિકેટર અને પૂર્વ કોચ અંશુમન ગાયકવાડ માટે રૂા.1કરોડનું ભંડોળ જાહેર કરવાની જાહેરાત કરી હતી. બીસીસીઆઈ એપેક્ષ કાઉન્સીલના મતે બોર્ડ સેક્રેટરી જય શાહે બીસીસીઆઈને તાત્કાલીક અસરથી ગાયકવાડને કેન્સરની સારવારમાં મદદરૂપ થવા રૂા.એક કરોડનું ભંડોળ આપવા જણાવ્યું હતું.
ભારતના પૂર્વ કેપ્ટન ડી.કે.ગાયકવાડના પુત્ર અંશુમન ગાયકવાડને બ્લડ કેન્સર થયુ છે અને તે હાલમાં લંડનની કિંગ્સ કોલેજ હોસ્પીટલમાં સારવાર લઈ રહ્યા છે.
જય શાહે ગાયકવાડના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી અને સ્થિતિની માહિતી મેળવી હતી. કપરા સમયમાં બોર્ડ ગાયકવાડની પડખે હોવાનું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું તથા તેમનાં સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારા માટે શકય મદદરૂપ થવાની ખાતરી બોર્ડ સેક્રેટરીએ આપી હતી.