ભુપેન્દ્રભાઈ પટેલે ચાંદીપુરાના વાયરસ અંગે સમિક્ષા કરી જરૂરી પગલાં માટે સૂચના આપી

લોગ વિચાર :

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસના શંકાસ્પદ કેસો અંગે રાજ્ય સરકારના આરોગ્યતંત્ર દ્વારા લેવાયેલા રોગચાળા નિયંત્રણ પગલાંઓ અને રોગ નિવારણ માટેની સઘન કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં હાથ ધરી હતી.

રાજ્યમાં જિલ્લાઓના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનરઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જિલ્લાઓમાં આ વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસના શંકાસ્પદ કેસોની સારવાર, વ્યવસ્થા, સર્વેલન્સ કામગીરી, રોગ નિવારણ પગલાં અને ઉપચારાત્મક બાબતો અંગે વિગતો મેળવી હતી.

આ શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસનો પ્રથમ કેસ 27 જૂનના રોજ રાજસ્થાન ઉદેપુરના એક દર્દી ગુજરાતમાં હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે દાખલ થતા મળી આવ્યો હતો. હાલ રાજ્યમાં 18 જુલાઇ 2024 ની સ્થિતિએ ગુજરાત રાજ્યના 30 સહિત કુલ 33 શંકાસ્પદ કેસો વાયરલ એન્કેફેલાઇટીસના મળી આવ્યા છે.

જેમાં કુલ 16 મૃત્યુ નોંધાયા છે. સેમ્પલને ચાંદીપુરા વાયરસની પુષ્ટિ માટે પુના મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 7 સેમ્પલના પરિણામ આવ્યા છે. જેમાં 6 સેમ્પલ ચાંદીપુરા વાયરસ માટે નેગેટીવ અને ફક્ત એક જ સેમ્પલ પોઝીટીવ નોંધાયો છે.

રાજ્યના આરોગ્ય તંત્રએ ચાંદીપુરા અને વાયરલ એન્કેફેલાઇટીસના વેક્ટર નિયંત્રણ અને અટકાયત માટે સઘન પગલાંઓ લેવાના શરૂ કર્યા છે તેની વિગતો પણ આ સમીક્ષા બેઠકમાં આપવામાં આવી હતી.

તદઅનુસાર 260 ટીમો દ્વારા 11,050 ઘરોમાં કુલ 56,651 વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવ્યું. 4838 કાચા મકાનો અને ઢોર-કોઠાર એરિયામાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું છે.

એટલું જ નહિં 4,838 કાચા મકાનો અને ઢોર-કોઠાર એરિયામાં રોગ અટકાયત માટે મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવ્યું મેલેથિયન પાવડર જિલ્લાઓમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આમ છતાં જરૂરિયાત મુજબ વ્યવસ્થા કરવા તેમણે આરોગ્ય તંત્રને સૂચન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રોગચાળા સંબંધે લોકોમાં ભયનો માહોલ ન ફેલાય તે માટે પ્રચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જનતા જનાર્દનને વિગતોથી માહિતગાર કરવા બેઠકમાં સૂચન કર્યું હતું.

તેમણે રાજ્યની દરેક જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં દાખલ થતાં વાયરલ એન્કેફેલાઇટીસ વાઇરસના શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઈને તાત્કાલિક પુના ખાતેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજીમાં તપાસણી માટે મોકલવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા બેઠકમાં તાકીદ કરી હતી. એટલું જ નહિં, આવા શંકાસ્પદ દર્દીઓને સંબંધિત હોસ્પિટલોમાં તાત્કાલિક યોગ્ય સારવારની વ્યવસ્થા માટે પણ સૂચનો કર્યા હતા.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓને દરેક કેસોનું રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવા આ વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, રાજ્યકક્ષાની રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા અરવલ્લી અને સાબરકાંઠાના કેસો રૂબરૂ વિઝિટ કરીને તપાસવામાં આવ્યા છે. અન્ય જિલ્લાઓમાં પણ જરૂર જણાયે આ સ્ટેટ લેવલ ટીમ મોકલવા તેમણે તૈયારી દર્શાવી હતી.

વાયરલ એન્કેફેલાઇટીસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી માટે 104 નંબરની હેલ્પલાઇનની કામગીરી પણ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે તેમ આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું.

તબીબોના નિદાન મુજબ પ્રવર્તમાન જોવા મળતા કેસમાં વાયરલ એન્કેફેલાઇટીસના કેસ હોવાનું પ્રાથમિક તારણ જોવા મળ્યું છે જેના લક્ષણો ચાંદીપુરને મળતા આવે છે. માટે આ વાયરલના પ્રાથમિક લક્ષણો જણાતા દર્દીને સધન સારવાર માટે મેડિકલ કોલેજ અથવા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં દાખલ કરાવવા મંત્રીશ્રી એ અનુરોધ કર્યો હતો.

રાજ્યના તમામ તાલુકા અને અસરગ્રસ્ત સંભવિત વિસ્તારમાં જંતુનાશક અને મેલિથન દવાઓના છંટકાવ કરવા માટે પણ સૂચન કર્યા હતા. વધુમાં આ રોગની જાગૃકતા કેળવવા માટે આશાવર્કરો બહેનો, સ્થાનિક સ્તરે આરોગ્ય ટીમને પ્રયાસો હાથ ધરવા કહ્યું હતુ.

આ રોગથી સંક્રમિત દર્દીઓ માટે ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ થી લઇ તમામ હોસ્પિટલમાં વેન્ટીલેટર, ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થાઓ પુરતા પ્રમાણમાં હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતુ. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, આરોગ્ય અગ્રસચિવ ધનંજય દ્વિવેદી અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.