લોગવિચાર :
વિશ્વનો સૌથી મોટો તહેવાર નવરાત્રીનો આવતીકાલે પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે રાજ્યની બહેનો-દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે ઘૂમી શકે તે માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ ગરબા આયોજકો અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી કડક સૂચના આપવામાં આવી છે.
મેદાનમાં દારૂડિયા, રોમિયો કે ટપોરી આવ્યા તો પોલીસ છોડસે નહીં, તેમજ ગરબા મહોત્સવના કોઈ પણ આયોજક કે કમિટીના સભ્ય દારૂ પીધેલ હાલતમાં પકડાશે તો તરત આયોજન બંધ કરાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વધુમાં ગૃહમંત્રીએ ગઈકાલે સાંજે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નર, જિલ્લા પોલીસ વડા, રેન્જ આઇજી સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા ગરબા આયોજકો સાથે બેઠક યોજી હતી.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તમામ આયોજકોને જણાવ્યું કે, કોઈ પણ રોમિયો કે ટપોરી ગ્રાઉન્ડમાં આવે અને આયોજકોને ખબર પડે તો પોલીસને જાણ કરવી. પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી અને એવી ટ્રીટમેન્ટ આપવી જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેમજ આજુ બાજુ રહેણાંક વિસ્તાર હોય તો કોઈને હેરાનગતિ ન થાય તેવું આયોજન સુનિશ્ચિત કરવું જરૂરી છે.
ઉપરાંત શહેરના ભાગોળે યોજાતા આયોજનો માટે આયોજકો અને સત્તાધીશો સાથે બેઠક યોજી, રસ્તા પર અંધારું હોય તો લાઈટ ફીટ કરાવી, દારૂ પીધેલ લોકો ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી ન લે તે માટે ખાસ ધ્યાન રાખવું, પોલીસે આયોજકોની આજુ બાજુ પેટ્રોલિંગ કરવાની પણ પોલીસને સૂચના આપવામાં આવી હતી.
તમામ અધિકારીઓએ તેમના શહેર - જિલ્લાના પીઆઇ, પીએસઆઇ સહિતના જવાનો સાથે બેઠક કરી માહિતી આપવાની પણ સૂચના આપવામાં આવી હતી.નવરાત્રી મહોત્સવ દરમ્યાન તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ઓન ગ્રાઉન્ડ એક્ટિવ રહેવાનું રહેશે તેમજ ગરબા મહોત્સવના કોઈ પણ આયોજક કે કમિટીના સભ્ય દારૂ પીધેલ હાલતમાં પકડાશે તો તરત આયોજન બંધ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે.