બ્લોકબસ્ટર 'જય સંતોષી મા'ના નિર્માતા સતરામ રોહરાનું નિધન

લોગ વિચાર :

1975માં બ્લોક બસ્ટર ‘શોલે’ને ટકકર આપનાર બ્લોકબસ્ટર ફિલ્મ ‘જય સંતોષી મા’ ના નિર્માતા સતરામ રોહરાનું 85 વર્ષની વયે નિધન થયું છે. આવતીકાલે 20મી જુલાઈએ ઉલ્હાસનગર સ્થિત સાઈ વાસત શાહ દરબારમાં તા.20ના રોજ તેમની પ્રાર્થનાસભાનું આયોજન થયું છે.

સતરામ રોહરાનો જન્મ 16 જૂન 1939માં સિંધ (હાલ પાકિસ્તાન)માં થયો હતો. તેમણે નિર્માતા તરીકે શેરા ડાકુ (1966), ‘રોકી મેરા નામ’ (1973) જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. 1975માં તેમણે નિર્માણ કરેલી ફિલ્મ ‘જય સંતોષી મા’ એ કમાણીના રેકર્ડ તોડયા હતા.

આ ફિલ્મના ગીતો જાણીતા થયા હતા. ત્યારબાદ તેમણે નવાબ સાહિબ, ‘ઘર કી લાજ’, ‘કારણ’ અને ‘જય કાલી’ જેવી ફિલ્મો બનાવી હતી. તેઓ સારા ગાયક પણ હતા. તેમણે સિંધી ફિલ્મ ‘ઝુલેલાલ’, ‘હલ તા ભાજી હાલુ’ જેવી ફિલ્મોના ગીતો ગાયા હતા. તેમણે ગાયિકા ભગવંતી નવાની સાથે ગાયેલા સિંધી ગીતો લોકપ્રિય થયા હતા.