લોગ વિચાર :
શું તમે ક્યારેય કોઈ મોટરસાઈકલની ભગવાનની જેમ પૂજા કરાતી હોય એવું સાંભળ્યું છે? રાજસ્થાનના જોધપુર પાસે આવેલા શ્રી ઓમ બન્ના મંદિર, જેને બુલેટ બાબાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અનોખા મંદિરમાં રોયલ એનફિલ્ડ બુલેટની પૂજા કરવામાં આવે છે. આ મંદિર એનએચ ૬૨ જોધપુર-પાલી હાઈવે પર આવેલું છે. જોધપુરથી આ મંદિર સુધી પહોંચવા માટે એક કલાકનો સમય લાગે છે.
રાજસ્થાનના જોધપુરથી આશરે ૫૦ કિલોમીટર દૂર એક અનોખું મંદિર આવેલું છે. આ મંદિર ઓમ બન્નાના નામથી ઓળખવામાં આવે છે. જે ઠાકુર જોગ સિંહ રાઠોડનો દીકરો હતો. વર્ષ ૧૯૮૮માં ૨ ડિસેમ્બરે રાતે ૧૦ વાગ્યે, ઓમ બન્ના પોતાની રોયલ એનફિલ્ડ બુલેટ બાઈક પર સવાર થઈને જઈ રહયા હતા. તેની સાથે એક મિત્ર પણ હતો, જે પાછળ બેઠો હતો. રોડ પર બાઈકનું સંતુલન બગડતા એક ઝાડ સાથે અથડાયું જેમાં ઓમ બન્નાનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું.
પછીની સવારે પોલીસ તપાસ માટે બુલેટને પોતાને સાથે લઈ ગઈ. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે બાઈક રાતે પોતાના અકસ્માત સ્થળે પહોંચી જતી હતી. પોલીસ ફરી પોલીસ સ્ટેશને લઈ આવી તેને લોક કરી દીધી. પરંતુ બાઈક પાછી તે જ દુર્ઘટના સ્થળે પહોંચી ગઈ.
ઓમ બન્નાના પિતા અને ગામના લોકોએ દુર્ઘટના સ્થળે એક મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જ્યાં બુલેટ બાઈકને એક કાચના બોક્સમાં રાખવામાં આવ્યું છે. પાસે ઓમ બન્નાની એક તસવીર રાખવામાં આવી છે અને એક ચબૂતરો પણ બનાવવામાં આવ્યો છે. જેને હવે લોકો બુલેટ બાબાના મંદિર તરીકે ઓળખે છે. મંદિર પાસે એક ઝાડ પર લાલ દોરા, બંગડીઓ, ફૂલ અને અગરબત્તી બાંધવામાં આવે છે. બાઈકને કાચના બોક્સમાં રાખવામાં આવ્યું છે અને તેને માળાઓથી શણગારવામાં આવ્યું છે. પાસે ઓમ બન્નાની મોટી તસવીર પણ લગાવવામાં આવી છે. લોકોનું માનવું છે કે, ઓમ બન્નાની આત્મા હજુ પણ ત્યાં હાજર છે. અહીં આવનાર લોકોએ પોતાની સાથે ઘટેલી કેટલીક ઘટનાઓ શેર કરી છે.
અહીંથી પસાર થનાર લોકો પોતાની મુસાફરીની સુરક્ષા માટે બુલેટ બાબા પાસે આશીર્વાદ લે છે. કેટલાક લોકો બાઈકનું હોર્ન વગાડીને નમન કરે છે. અહીં ભક્તો બુલેટને દારૂ અને સિગારેટ પણ ચડાવે છે. એવી માન્યતા છે કે, તેનાથી તેઓની મનોકામના પૂર્ણ થાય છે.