બુમરાહ વર્લ્ડ કપ બાદ પ્રથમ વખત ટેસ્ટ રમશે

લોગવિચાર :

વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત 20 મહિના બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે. ફાસ્ટ બોલર બુમરાહ પણ ટી-20 વર્લ્ડ કપ બાદ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે. યશ દયાલને પ્રથમ વખત ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. અજીત અગરકરની આગેવાની હેઠળની ભારતીય પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી.

માર્ચ પછી પ્રથમ ટેસ્ટ 
બે મેચની શ્રેણીની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરૂ થશે. બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી કાનપુરમાં રમાશે. માર્ચ પછી ભારતીય ટીમની આ પ્રથમ કસોટી હશે.

ટીમમાં ચાર ફેરફારો
વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ શ્રેણી રમી રહેલી ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરવામાં આવ્યાં છે. તેમાંથી વિરાટ કોહલી, કેએલ રાહુલ અને પંતની વાપસી થઈ છે. યશને પ્રથમ વખત તક આપવામાં આવી છે. કોહલી પરિવારના કારણે ઈંગ્લેન્ડ સામે રમી શક્યાં ન હતાં પંત અને રાહુલ ઈજાગ્રસ્ત થતાં ઈંગ્લેન્ડ સામે રમી શક્યા ન હતા.

અકસ્માત બાદ પંત પ્રથમ ટેસ્ટ રમશે
એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યાં બાદ, પંત આ વર્ષે આઇપીએલ માંથી સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફર્યા છે. જે બાદ તે ટી - 20 વર્લ્ડ કપ જીતનારી ટીમના પણ સભ્ય હતાં. તેને તેની છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2022 માં મીરપુરમાં બાંગ્લાદેશ સામે રમી હતી.

શમીની રાહ વધી
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની વાપસીની રાહ વધી છે ઘૂંટણની સર્જરી બાદ તે હજુ પણ સંપૂર્ણ રીતે ફિટ નથી. શમીએ તેની છેલ્લી ટેસ્ટ ઑસ્ટ્રેલિયા સામે ઑવલ ખાતે જૂન 2023 માં રમી હતી. અખિલ ભારતીય પસંદગી સમિતિના અધ્યક્ષ અગરકરે અગાઉ કહ્યું હતું કે જમણાં હાથના ફાસ્ટ બોલર બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં રમી શકે છે.

પ્રથમ ટેસ્ટ માટેની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ , જસપ્રિત બુમરાહ, યશ દયાલ.

છ મહિના પછી ટેસ્ટ
બુમરાહે તેની છેલ્લી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે માર્ચમાં ધર્મશાલામાં રમી હતી જેમાં તેને બે વિકેટ લીધી હતી.

યશને મળ્યું શાનદાર પ્રદર્શન માટે ઈનામ
ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદના 26 વર્ષીય યશને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આ પુરસ્કાર મળ્યો છે. ડાબા હાથના ફાસ્ટ બોલરે દીલીપ ટ્રોફીમાં ઈન્ડિયા બી ની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને 4 વિકેટ ઝડપી હતી.  યશે અત્યાર સુધી 24 ફર્સ્ટ ક્લાસ મેચમાં 2.98 ની ઇકોનોમીથી 76 વિકેટ લીધી છે.

આ ખેલાડીઓ બહાર થયાં
ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં સામેલ રજત પાટીદાર, કે એસ ભરત, દેવદત્ત પડિકકલ અને મુકેશ કુમારને બહાર કરવામાં આવ્યાં છે.