સુરત પાસે બસ ખાડીમાં પડી : પતરા કાપી મુસાફરોનું રેસ્કયુ : તમામ 40નો ચમત્કારિક બચાવ

લોગવિચાર :

સુરતના કોસંબા નજીક આજે વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં પડતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. ઘટનાની જાણ બાદ સુરત ફાયરની ઇમર્જન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જેમાં બસનાં પતરાં કાપી અને પહોળા કરી 40 મુસાફરોનું રેસ્કયુ કરાયુ હતું.

ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે (27 નવેમ્બર) વહેલી સવારે આ દુર્ઘટના બની હતી. સવારે 5.10 કલાકે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, 40 માણસોથી ભરેલી માલાણી નામની ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં પડી ગઇ છે, જેથી સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો.

ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મુસાફરોનું રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા 40 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. જે પૈકી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

સબ ફાયર ઓફિસર વિજય ટંડેલે જણાવ્યું હતું કે, મુસાફરો તમામ સૂતા હતા, તે દરમિયાન જ આ ઘટના બની હતી. કેબિનમાં બેઠેલા લોકો કેબિનમાં જ ફસાઈ ગયા હતા. જ્યારે સોફામાં સૂતેલા લોકો પણ ધડાકા સાથે આ ઘટના બનવાના કારણે સોફામાં જ ફસાઈ ગયા હતા. તમામ 40 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.

એક મહિલા અને એક પુરુષને વધુ ઇજા પહોંચી હતી. કેબિનમાં રહેલા લોકોને પતરાં કાપી અને પહોળાં કરીને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.  બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં ડ્રાઇવર ક્યાંય મળી આવ્યો ન હતો.

આ ઘટના બાદ ડ્રાઇવર ભાગી ગયો હોય તેવી આશંકા છે. બસ ડ્રાઈવરને ઝોકું આવી ગયા બાદ બસ ખાડીમાં પડી ગઈ હોવાની સંભાવના છે. આ બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી.