ગણપતિની તૈયારીઓ, શ્રીજીની મૂર્તિઓ અને આભૂષણનું ધૂમ વેચાણ

લોગવિચાર :

શનિવારથી ગણેશોત્‍સવનો દસ દિવસનો તહેવાર ધામધૂમ સાથે પ્રારંભ થવાનો છે, ત્‍યારે હાલ માર્કેટમાં શ્રીજીની મનમોહક પ્રતિમાઓનું વેચાણ શરૂ થઇ ગયું છે. એની સાથે સાથે જ ઘેરો અને સોસાયટીઓમાં ગણેશજીની વાજતેગાજતે સ્‍થાપના કરવા માટે તેમના નાના-મોટા મંડપ અને ડેકોરેશન માટેની વિવિધ વસ્‍તુઓના વેચાણનો માહોલ પણ જામ્‍યો છે. ગણેશ સ્‍થાપના માટેના તૈયાર ડેકોરેશન સેટ-અપના વેચાણનો ટ્રેન્‍ડ પણ આ વર્ષે જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્‍તારોમાં મોડી રાત સુધી ગણેશજીની પ્રતિમાની પસંદગી કરનારા ભક્‍તો જોવા મળી રહ્યા છે અને રૂ. ૭૦૦થી લઈને રૂ. ૫૦૦૦ સુધીની ઘરમાં સ્‍થાપિત કરી શકાય એવી એકથી લઈને અઢી ફૂટ સુધીની પ્રતિમાઓનું વેચાણ સૌથી વધુ થઈ રહ્યું છે. જોકે પાટ કરતાં ઘડામણ મોંઘું એવો ઘાટ હવે ગણેશોત્‍સવમાં જોવા મળી રહ્યો છે, જેમાં પ્રતિમા કરતાં વધુ ખર્ચો ડેકોરેશન પાછળ થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

શહેરના લાલ દરવાજા, ભદ્ર, ગુલબાઇ ટેકરા, હાટકેશ્વર, સીટીએમ, ખોખરા, અખબાર નગર, ગોતા જેવા વિસ્‍તારોમાં ગણેશજીની આહ્લાદક પ્રતિમાનું વેચાણ કરતાં શામિયાણા ધમધમી રહ્યા છે. આ વર્ષે વરસાદનું જોર જોતાં ભાવિક ભક્‍તે પહેલાથી પ્રતિમાની પસંદગી કરીને બુકિંગ કરી રહ્યા છે અને કેટલાક ભક્‍તો તો મૂર્તિઓની ખરીદી કરીને વરસાદથી રક્ષણ માટે એને અત્‍યારથી જ ઘરમાં સુરક્ષિત રીતે મુકી રહ્યા છે. ગોતા વિસ્‍તારના વેપારી સની પુનમભાઈએ જણાવ્‍યું હતું કે, ‘દોઢ ફુટથી અઢી ફુટની પ્રતિમાઓ સૌથી થી વધુ વધુ વેચા વેચાય છે અને ઘરમાં સ્‍થાપના માટે માટીની મૂર્તિઓનો ટ્રેન્‍ડ જ ચાલે છે. મુંબઇની બનાવટ અને ડિઝાઈનની મૂર્તિઓનો ક્રેઝ ખૂબ વધી ગયો છે. આ મૂર્તિઓ ટ્રાન્‍સપોર્ટના માધ્‍યમ થી અમદાવાદમાં આવે છે અને વિવિધ વેપારીઓના ગોડાઉન સુધી પહોંચે છે. નાની મૂર્તિઓ રૂ. ૫૦૦થી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીની વેચાઈ રહી છે, જયારે કે સૌથી વધુ ટ્રેન્‍ડ ૨૫૦૦થી ૪૦૦૦ રૂપિયાની વચ્‍ચે મળતી દોઢથી અઢી ફુટની મૂર્તિઓનો છે.' વેપારીઓનું કહેવું છે કે મોંઘવારીના પ્રમાણે ગત વર્ષ કરતાં પ્રતિમાઓનો ભાવ ૧૦ ટકા જેટલો વધ્‍યો છે, બહુ મોટો ભાવવધારો ગણેશજીની પ્રતિમાઓમાં થયો નથી.

ઘરેઘરે ગણેશજીની સ્‍થાપનાનો ક્રેઝ વધ્‍યો છે અને તેની સાથે સાથે સાજ શણગારની વસ્‍તુઓની ડિમાન્‍ડ પણ વધી છે. હાલ અનેક આર્ટિફિશિયલ ફલાવર શોપ્‍સ(હોલસેલ અને રિટેઇલર)ને ત્‍યાં પણ ભક્‍તોનો ઘોડાપુર ઉમટી પડ્‍યો છે. જેમાં વિવિધ તૈયાર ડેકોરેટિવ ડિઝાઈનની ખરીદી કરવામાં આવી રહી છે. આ તૈયાર ડેકોરેશન પણ ૭૦૦ રૂપિયાથી લઈને ૧૫૦૦૦ રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યા છે. જેટલું ગોળ નાંખો એટલું ગળ્‍યું થાય એવી ઉક્‍તિને સાર્થક કરતા હાલ આર્ટિફિશિયલ ફલાવર્સ અને ડેકોરેશનની દુકાનોમાં જાતભાતની શણગારની વસ્‍તુઓ વેચાઇ રહી છે. જો જાતે જ ડેકોરેશન કરવું હોય તો છુટક વસ્‍તુઓનું પણ વેચાણ થાય છે. જેમાં આર્ટિફિશિયલ ફૂલોના હાર, પત્તાના તોરણો, કમળના ફૂલ, ડેકોરેટિવ દિવા, રંગબેરંગી પડદા અને લાઇટ્‍સ લોકો ખરીદી કરી રહ્યા છે. એક સમય શહેરમાં જુજ સ્‍થળોએ જાહેરમાં અથવા થરોમાં ગણેશજીની સ્‍થાપના થતી અને શ્રદ્ધાપૂર્વક તહેવારની ઉજવણી થતી, પરંતુ હવે તહેવારનું વેપારણીકરણ થતાં માર્કેટમાં કરોડોનું ટર્નઓવર થતાં તેજી પણ જોવા મળે છે.