રૂ. 75 હજારના લોનથી લીધેલા મોપેડના સ્વાતગત પાછળ રૂ. 60 હજારનો ખર્ચ

લોગવિચાર :

જીવનમાં આવતી દરેક નાની ખુશીઓને ઉજવણીમાં ફેરવનારો આ ચા વાળો ચર્ચાનો વિષય બન્‍યો છે. મધ્‍યપ્રદેશના શિવપુરીમાં રહેતા મુરારીએ રૂ.૭૫૦૦૦ના મોપેડના સ્‍વાગત પાછળ રૂ.૬૦૦૦૦નો ખર્ચ કરતાં લોકોને આશ્ચર્યમાં મુકયા છે. મજાની વાત એ છે કે, શિવપુરીમાં સાયકલ પર ફેરી કરીને ચા વેચતો ‘મુરારી ચાય વાલા'એ મોપેડ લોન પર ખરીદ્યું છે, જ્‍યારે તેના સ્‍વાગત માટે ડીજે, ઢોલ, ક્રેઈન મગાવવા પાછળ રોકડા રૂ. ૬૦ હજારનો ખર્ચ કર્યો છે.

મુરારીએ મોપેડના સ્‍વાગતની ઉજવણી પાછળનું કારણ પરિવારની ખુશી દર્શાવી છે. તેણે પોતાના બાળકો માટે આ ઉજવણી કાર્યક્રમ યોજ્‍યો હતો. અગાઉ ત્રણ વર્ષ પહેલાં પણ તેણે પોતાની દિકરી માટે ઈએમઆઈ પર રૂ. ૧૨૫૦૦નો સ્‍માર્ટફોન ખરીદ્યો હતો અને તેને ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે ઘરે લાવવા રૂ. ૨૫૦૦૦નો ખર્ચ કર્યો હતો.

રૂ. ૨૦૦૦૦નું ડાઉન પેમેન્‍ટ ચૂકવી મોપેડ ખરીદ્યા બાદ મુરારીએ રસ્‍તા પર ડીજે, ઢોલ વગાડી ઉજવણી કરી હતી, અને ક્રેઈન મગાવી મોપેડને હવામાં ટીગાળ્‍યું હતું. જો કે, મુરારીએ આ શોભાયાત્રા માટે મંજૂરી લીધી ન હોવાથી સ્‍થાનિક પોલીસે તેની ઉજવણીના રંગમાં ભંગ પાડી ડીજે સિસ્‍ટમ અને મોપેડ જપ્ત કર્યું હતું.