લોગવિચાર :
દેશમાં વારંવાર યોજાતી ધારાસભા ચૂંટણીઓ અને લોકસભા ચૂંટણીમાં નિયમિતતા લાવવા અને સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને ધારાસભા ચૂંટણીઓ યોજાય તે માટે મોદી સરકારના વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને આજે કેબીનેટે મંજુરી આપી દીધી છે અને સંસદના શિયાળુ સત્રમાં તે અંગેનો ખરડો લાવવામાં આવશે તેવા સંકેત છે.
આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં આ મંજુરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ ગઇકાલે જ સંકેત આપ્યો હતો કે સરકાર આ એજન્ડા પર આગળ વધવા મક્કમ છે. અગાઉ મોદી ટુ સરકારના સમયગાળામાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિડના અધ્યક્ષ હેઠળ એક કમિટી રચવામાં આવી હતી અને તેના દ્વારા વન-નેશન વન-ઇલેક્શનનો ડ્રાફ્ટ તૈયાર કરાયો હતો.
જેના આધારે આગામી સમયમાં બંધારણીય સુધારા ચૂંટણી કાનૂનમાં સુધારા સહિતની જે પ્રક્રિયા હાથ ધરવાની છે તે નિશ્ર્ચિત કરવામાં આવી હતી અને હવે તેને વૈધાનિક સ્વરૂપ આપવા માટે મોદી સરકાર આગળ વધી રહી છે.
જેમાં આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં મંજુરી અપાતા અને સંસદના શિયાળુ સત્રમાં તે અંગેનો એક વ્યાપક ખરડો રજુ કરાશે ત્યારબાદ રાજ્યની વિધાનસભાઓમાં પણ તે સંબંધીત ખરડાઓ પસાર કરવા જરુરી બનશે.
મોદી સરકાર 2029માં વન નેશન-વન ઇલેક્શનનો જે સંકલ્પ છે તે આગળ વધારવા માંગે છે અને તે દિશામાં કેબીનેટની મંજુરી મહત્વની ગણાય છે. સુત્રોના જણાવ્યા મુજબ દેશમાં 33 રાજ્યો અને લોકસભાની ચૂંટણીમાં બે તબકકા થઇ શકે છે.