લોગ વિચાર :
ઉત્તરાખંડમાં ચારધામ બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા આ વર્ષે 30 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ચાર ધામ યાત્રા માટે 11 માર્ચથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જેમાં આધારકાર્ડને પણ સાથે જોડવાની તૈયારીઓ ચાલી રહી છે.
30 એપ્રિલના રોજ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલવાની સાથે ચાર ધામ યાત્રાનો પ્રારંભ થશે. ઉત્તરાખંડના ત્રણ જિલ્લાઓ ચમોલી, રુદ્ધપ્રયાગ અને ઉત્તરકાશીમાં ચારધામ સ્થિત છે. અહીં આર્થિક વ્યવસ્થા પણ આ યાત્રા સાથે જોડાયેલી છે. ગઢવાલ મંડલાયુક્ત વિનય શંકર પાંડેએ કહ્યું કે યાત્રાને વધારે વ્યવસ્થિત બનાવવા માટે રજિસ્ટ્રેશનની સાથે આધારકાર્ડ જોડવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. જેથી યાત્રાળુઓની સુરક્ષા વ્યવસ્થિત રીતે થઈ શકે.
આ વર્ષે ચાર ધામ યાત્રાના 60 ટકા ઓનલાઈન અને 40 ટકા ઓફલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવશે. ઓફલાઈન રજિસ્ટ્રેશન યાત્રા શરૂ થવાના 10 દિવસ પહેલા શરૂ થશે. જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન 11 માર્ચથી શરૂ થશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 46 લાખ કરતા વધારે ભક્તો ચાર ધામ યાત્રામાં પહોંચ્યા હતા. રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં સમસ્યા આવતાં મોટી સંખ્યામાં લોકો રજિસ્ટ્રેશન વિના પહોંચ્યા હતા.