ભાજપના મોટા એજન્ડાઓને અસર થશે : છતાં ભૂતકાળમાં પીવી નરસિમ્હા રાવ, મનમોહન સિંહ, વાજપેયીએ સાથી પક્ષોના ટેકાથી તેમની મુદત પૂરી કરવાનો રેકોર્ડ છે : સરકાર અસ્થિર થવાની શકયતા પણ નહીં
લોગ વિચાર :
મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી, અત્યાર સુધી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ બહુમતીવાળી સરકાર જ ચલાવી છે. પરંતુ પ્રથમ વખત તેમણે 1ર સાથી પક્ષો સાથે તાલમેલ રાખીને સરકાર ચલાવવી પડશે. નવી સરકારમાં ચંદ્રાબાબુ નાયડુ અને નિતીશકુમાર મજબુત સ્થિતિમાં રહેશે જેની અસર યુસીસી, એક દેશ, એક ચૂંટણી જેવા એજન્ડા ઉપર પણ પડશે. રાજકારણમાં પ્રવેશ બાદ અઢી દાયકાથી બહુમતી સાથે જ રાજ કરનાર વડાપ્રધાને ત્રીજી ટર્મમાં ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવાનું છે.
2001માં ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવેલા નરેન્દ્ર મોદીએ ત્રણ વખત ગુજરાતમાં મજબુત બહુમતીવાળી સરકાર રચી હતી. આ બાદ 2014થી કેન્દ્રમાં બે વખત સૌથી મોટા પક્ષ સહિત એનડીએની મોટી બહુમતી સાથે કામ કર્યુ છે. ભાજપ બે વખત એકલા હાથે બહુમતી લાવ્યો હતો. જેમાં આ વખતે ગાબડુ પડયું છે.
આ ચૂંટણીમાં ભાજપને 240 સીટ મળી છે જે બહુમતીથી 22 બેઠક ઓછી છે. ટીડીપીના 16 અને જેડીયુના 12 સાંસદ જીત્યા છે. આ 28 બેઠક ઉપરાંત શિવસેનાના શિંદે જુથની 7 બેઠક છે. આ ઉપરાંત લોજપા (આર)ની પાંચ, જેએનપી અને રાલોદની બે-બે, એનસીપી, અપના દળ, એલજીપી, આજસુ અને એજીપીની એક-એક બેઠક છે. આ સિવાય અન્ય 10 પક્ષોને જોડીને રાખવા પડશે.
ગઠબંધન સરકાર છતાં નવી સરકાર પર કોઇ ચિંતા રહે તેવું હાલ લાગતું નથી. બિહારમાં નિતીશકુમારને ભાજપની તાકાતનો અંદાજ છે. તો મુખ્યમંત્રી તરીકે નાયડુને કેન્દ્રના સહકારની પણ જરૂર પડશે. તેઓ જુદા પડે તો પણ મોદી સરકારને બહુમતી ગુમાવવાનો ખતરો નહીં રહે. જોકે નિતીશકુમાર રાજય માટે ખાસ પેકેજ, જલ્દી ચૂંટણી માટે દબાણ લાવી શકે છે. ઉપરાંત બિહારમાં હવે ભાજપ માટે નિતીશને જ ચહેરો બનાવી રાખવો પડશે.
ભાજપની યોજના યુસીસી લાગુ કરવા, વન નેશન, વન ઇલેકશનમાં જલ્દી આગળ વધવાની હતી. હવે આવા એજન્ડા પર ભાજપ કઇ રીતે કામ કરે છે તે જોવાનું રહેશે. ભુતકાળમાં ગઠબંધન સરકારની મજબુરીઓના કારણે વાજપેયી સરકારે કલમ 370, રામ મંદિર અને યુસીસી જેવા એજન્ડા પડતા મુકયા હતા. નવી સરકારમાં અગાઉની સરકાર કરતા સાથીદાર પક્ષના પ્રધાનોની સંખ્યા પણ વધી શકે છે.
મુળ શિવસેના અને અકાલી દળ સાથે છેડો ફાડયા બાદ માત્ર અન્ય ત્રણ સાથીદારોની મંત્રીમંડળમાં ભાગીદારી હતી. આ વખતે ભાજપ લઘુમતીમાં હોવાના કારણે વધુ સાથીદારોને મોકો મળવાનું નકકી છે. ખાતાઓની ફાળવણી પણ મહત્વની બનવાની છે. ભુતકાળમાં નિતીશકુમાર અને ચંદ્રબાબુ નાયડુ બંને એનડીએથી અલગ થઇ ચૂકયા છે તે ઉલ્લેખનીય છે.
દેશમાં 10 વર્ષ બાદ ગઠબંધન સરકારનો ફરી યુગ શરૂ થયો છે. જનતાએ ચૂંટણીમાં વધુ એક વાર રાજકીય પક્ષોને ચોંકાવી દીધા છે. ભાજપ 240ને પાર કરી શકી નથી. સાથીદારોના સહારે 290 બેઠક સુધી પહોંચી શકી છે. માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નામ અને ચહેરાના સહારે ભાજપ એકલા હાથે બહુમતી મેળવી ન શકતા દાયકા બાદ મીલીઝુલી સરકાર દિલ્હીમાં બેસવાની છે.
ઉત્તરપ્રદેશ, પં.બંગાળ, મહારાષ્ટ્રના પરિણામે ભાજપની ઉંધ ઉડાવી દીધી છે અને ઘણા વર્ગ સત્તા વિરોધી લહેર પણ ગણાવવા લાગ્યા છે. ઇન્ડિયા ગઠબંધને 200થી વધુ બેઠક મેળવતા સંસદમાં વિરોધ પક્ષનો અવાજ વધુ મજબુત થશે એ નકકી છે. ભુતકાળમાં ડો. મનમોહન સિંઘના સમયમાં કોંગ્રેસ પાસે ખુબ ઓછી બેઠક હતી. છતાં સરકાર ચલાવી શકયા હતા.
2024માં ભાજપની સ્થિતિ આ સમય કરતા સારી છે. 1991માં કોંગ્રેસ 232 બેઠક જીતી હતી અને વડાપ્રધાન પી.વી.નરસિંહા રાવે પૂરા પાંચ વર્ષ સાથી પક્ષોના ટેકાથી સરકાર ચલાવી હતી. ભાજપ પાસે 240 બેઠક હોવા છતાં ગઠબંધન મજબુરી છે.
કોંગ્રેસે 2014માં 44 અને 2019માં પર બેઠક જીતી હતી. આ વખતે કોંગ્રેસની સીટ 100 નજીક છે. ઉતરપ્રદેશમાં અખિલેશ યાદવના સમાજવાદી પક્ષે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા બાદ આ વખતે 34 બેઠક જીતી છે. મહારાષ્ટ્રમાં તો ઉધ્ધવ ઠાકરેની પાર્ટીએ શિંદે જુથથી વધુ બેઠક જીતતા અસલી શિવસેના તેમની છે તેવો દાવો કરી શકે છે.
સુસ્ત ચૂંટણીમાં પરિણામ આશ્ચર્યજનક છે છતાં જવાહરલાલ નહેરૂ બાદ નરેન્દ્ર મોદી આ પદ પર બેસનારા અને હેટ્રીક કરનારા માત્ર બીજા પ્રધાનમંત્રી બનવાના છે.