લોગ વિચાર :
વિશ્વ કોરોનાના રોગચાળામાંથી બહાર આવી ગયું છે પરંતુ લોકો હજી પણ તે વાયરસથી ત્રાસી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો કોરોના વાયરસ લોકોના મગજમાં એવી રીતે છુપાયેલો છે કે રોગચાળાના ત્રણ વર્ષ પછી પણ લોકો ડિપ્રેશન અને ચિંતાના શિકાર બની રહ્યા છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ તેમની રીપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. સંશોધન મુજબ, કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ વધુ જોવા મળી છે કેટલાક દર્દીઓમાં, 12 મહિના પછી નવા લક્ષણો જોવા મળ્યા હતા.
સંશોધકોના જણાવ્યા મુજબ, લાંબા સમયથી કોવિડથી પીડિત લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે, પરંતુ તેમાંથી મોટાભાગના લોકોમાં હતાશા, ચિંતા અને થાકના લક્ષણોમાં વધારો થયો છે આ રીપોર્ટ લેન્સેટ સાયકિયાટ્રી જર્નલમાં પ્રકાશિત થઈ હતી.
ઓક્સફર્ડ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ 475 લોકોમાં કોવિડનો લાંબો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં તેમણે જોયું હતું કે લોકોને કોરોના પછી અમુક માનસિક સમસ્યાઓ થઈ રહી છે.અભ્યાસના ડો. મેક્સ ટૈક્વેટે કહ્યું હતું કે, અમને જાણવા મળ્યું કે બે થી ત્રણ વર્ષ પછી પણ લોકોમાં ન્યુરોસાયકિયાટ્રિક સમસ્યાઓ જોવા મળી રહી છે.
અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ચારમાંથી એક વ્યક્તિએ કોરોના થયા પછી પોતાનો વ્યવસાય બદલ્યો કારણ કે તેઓ હવે નોકરીની જરુરીયાત મુજબ પોતાના મગજનો ઉપયોગ કરી સમસ્યાઓ હલ નથી કરી શકતા તેઓને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે.
ભારતમાં 17 ટકા દર્દીઓમાં ડિપ્રેશનની સમસ્યા વધી છે.લાંબા સમયથી કોરોનાનો ભોગ બન્યા બાદ ભારતમાં પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જોવા મળતી થઈ ગઈ છે.
ગયા વર્ષે, આઇસીએમઆરની રીપોર્ટમાં જણાવાયું હતું કે, ભારતમાં 17.1 ટકા લોકોને કોરોના થયા બાદ સુસ્તી, શ્વાસ લેવામાં તકલીફ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ વધી હતી. અભ્યાસમાં સમાવિષ્ટ 14,419 લોકો સપ્ટેમ્બર 2020 માં કોરોનાના ડેલ્ટા અથવા ઓમિક્રોન વેરિઅન્ટનો શિકાર બન્યા હતા.