દેશનું આઈસ્ક્રીમ માર્કેટ ત્રણ વર્ષમાં રૂ. 45,000 કરોડ થશે

લોગ વિચાર :

ઈન્‍ડિયન આઈસક્રીમ મેન્‍યુફેક્‍ચરિંગ એસોસિએશન (IICMA)ના ડેટા અનુસાર દેશમાં આઈસક્રીમ માર્કેટ છેલ્લાં એક દાયકામાં ચાર ગણું વધ્‍યું છે અને આગામી ત્રણ વર્ષમાં તેનું કદ રૂ.૪૫,૦૦૦ કરોડ થઈ જરો તેવો અંદાજ છે. આઈસક્રીમ હવે આમ તો કહેવા પૂરતો સિઝનલ બિઝનેસ રહ્યો છે કારણ કે તેની માંગ સતત વધી રહી છે. લોકોની આવક વધી રહી છે, ગ્રાહકોની પસંદગી બદલાઈ રહી છે અને ડિસ્‍ટ્રિબ્‍યુશન ચેનલોનો વ્‍યાપ વધી રહ્યો છે તે જોતા આઈસક્રીમનું બજાર ગરમ છે.

એસોસિએશને કહ્યું હતું કે દેશમાં છેલ્લાં ૧૦ વર્ષમાં આઈસક્રીમનું માર્કેટ ચાર ગણું વધ્‍યું છે. આગામી ત્રણ વર્ષમાં આઈસક્રીમ બિઝનેસ રૂ.૪૫,૦૦૦ કરોડનો થઈ જશે અને આઠ વર્ષમાં રૂ.૯૦,૦૦૦ કરોડ થશે તેવો અંદાજ છે. દૂધના ઘન પદાર્થો અને પેકેજિંગ સામગ્રી જેવા આવશ્‍યક ઈનગ્રેડિયન્‍ટ્‍સના ભાવમાં સ્‍થિરતા જેવા પરિબળોએ આઈસ્‍ક્રીમ ઉત્‍પાદકોને સ્‍પર્ધાત્‍મક ભાવ જાળવી રાખવા અને નફાકારકતા વધારવા સક્ષમ બનાવ્‍યા છે.

એસોસિએશને જણાવ્‍યું હતું કે ગ્રાહકો વધુને વધુ પ્રીમિયમ, આરોગ્‍યલક્ષી અને નવીન સ્‍વાદ તરફ આકર્ષિત થઈ રહ્યા છે, જેના કારણે વિવિધ બ્રાન્‍ડ્‍સ પ્‍લાન્‍ટ-આધારિત, ઓછી ખાંડ અને હાઈ-પ્રોટીન આઈસ્‍ક્રીમ લોન્‍ચ કરવા તરફ દોરી રહી છે. આ ઉપરાંત સરકાર ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં રોકાણ પર પ્રોત્‍સાહનો આપી રહી છે. આ વ્‍યૂહાત્‍મક અભિગમ ભારતને વધતા આઈસ્‍ક્રીમ બજારનો લાભ લેવા માંગતા સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય રોકાણકારો માટે એક આકર્ષક સ્‍થળ તરીકે પ્રસ્‍થાપિત કરે છે. વધતી જતી ડિસ્‍પોઝેબલ ઈન્‍કમ, શહેરીકરણ અને વધતી જતી ગ્રાહક પસંદગીઓ માંગને વેગ આપી રહી છે. ખાસ કરીને ટિયર-૧ એ અને ટિયર-૨ શહેરોમાં આઈસક્રીમની માંગ ખાસ્‍સી વધી છે.

એસોસિએશને ૨૭ માર્ચને આઈસ્‍ક્રીમ દિવસ તરીકે જાહેર કર્યો છે, અને પશુપાલન અને ડેરી રાજ્‍ય મંત્રી એસ પી સિંહ બધેલ દ્વારા એક ઉદ્ધાટન કાર્યક્રમ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્‍યો હતો. એસોસિએશન દેશભરના આઈસ્‍ક્રીમ ઉત્‍પાદકોનું પ્રતિનિધિત્‍વ કરે છે, જેમાં ક્‍વોલિટી, હેવમોર જેવા અગ્રણી ઉત્‍પાદકો તેના સભ્‍યો છે.