લોગ વિચાર :
વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા ગુજરાતીઓ હવે વિશ્વના ખૂણે ખૂણે વસી રહ્યા છે. વર્ષ 2024માં દર મહિને 15 અમદાવાદીઓને વિદેશી નાગરિકતા મળતા ભારતીય નાગરિકતા ત્યજીને તેમનો ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યો હોવાનું અમદાવાદ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ તરફથી જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સૂત્રો મુજબ દેશભરમાં છેલ્લા 10 વર્ષમાં 23000 ગુજરાતીઓએ વિદેશી નાગરિકતા મેળવી ભારતીય પાસપોર્ટ સરેન્ડર કર્યા છે. જેમાંથી મોટાભાગના ગુજરાતીઓ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા બાદ હવે ધીમે ધીમે યુરોપના દેશોમાં વસી રહ્યા છે.
કોવિડ બાદ નવા અને રિન્યૂ પાસપોર્ટની એપ્લિકેશનમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. બીજીબાજુ ગુજરાતીઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા, કેનેડા સહિતના યુરોપના દેશોમાં સેટલ થવાની જબરદસ્ત હોડ લાગી છે. જેને લીધે સંખ્યાબંધ લોકો પરમેનન્ટ રેસિડેન્ટ, વર્ક પરમીટ તેમજ સ્ટુડન્ટસ વિઝા ઉપર વિદેશ જવા માટે લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે.
જેમાંથી ઘણાં લોકોને લાંબાગાળે વિદેશની નાગરિકતા મળે છે. જેમાં 50 ટકાથી વધુ ગુજરાતીઆ અમેરિકા અને કેનેડાની નાગરિકતા મેળવે છે. જ્યારે અન્ય યુરોપના દેશોમાં જાય છે.
જોકે હવે અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં નિયમો વધુ કડક થતા નાગરિકતા કે વિઝા મળવા મુશ્કેલ બન્યા છે. બીજીબાજુ કેનેડામાં મંદીને પગલે નોકરીની ઉજળી તકોનો અભાવ સર્જાયો છે. પરિણામે હવે ધીમે ધીમે ગુજરાતીઓ યુરોપના દેશો તરફ વળ્યા છે. જેમાં ખાસ કરીને ઓસ્ટ્રીયા, ડેન
માર્ક, ફ્રાન્સ, જર્મની, આયરલેન્ડ, ’નેધરલેન્ડ અને ન્યૂઝીલેન્ડની નાગરિકતા મેળવી રહ્યા છે.
ભારતીય નાગરિકતા છોડનાર નાગરિકે પાસપોર્ટ સરેન્ડર કરી સરેન્ડર સર્ટિફિકેટ લેવું પડે છે. સામાન્ય રીતે વિદેશ જઈ સેટલ થવામાં ગુજરાતીઓ મોખરે હોવાનું માનવામાં આવે છે. પરંતુ હકીકતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી નાગરિકતા મળતા પાસપોર્ટ સરેન્ડર કરવામાં દિલ્હી બાદ પંજાબ અને ત્રીજો નંબર ગુજરાતનો આવે છે.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 10 વર્ષમાં દિલ્હીના 60414, પંજાબના 28117 અને ગુજરાતના 22300 નાગરિકોએ વિદેશી નાગરિકતા મળતા તેમના પાસપોર્ટ સરેન્ડર કર્યા છે.