કેનેડા જનારા મુસાફરના સામાનમાંથી મગરનું માથું મળ્યું: અધિકારીઓ દ્રશ્ય જોઈને ચોંકી ગયા

લોગ વિચાર :

કેનેડા જઈ રહેલા એક મુસાફરના સામાનની તપાસ દરમિયાન બેગમાં મગરનું માથું જોઈને સુરક્ષા અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. માથાનું વજન લગભગ એક કિલો જેટલો હતો.

એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ આ બાબતે વન વિભાગના અધિકારીઓને જાણ કરી, જેથી તેઓ પણ આ મામલે તપાસમાં જોડાઈ. આ કેસમાં આરોપી મુસાફર કેનેડાનો નાગરિક છે. તે એર કેનેડાની ફ્લાઈટમાં કેનેડા જવાનો હતો, પરંતુ તે પહેલા જ તે ઝડપાઈ ગયો હતો.

ભારતમાં સંરક્ષિત જાતિઓમાં મગરનો સમાવેશ થાય છે.વન અને વન્યજીવ વિભાગની પશ્ર્ચિમ રેન્જના અધિકારીઓની ટીમે તપાસ કરતાં માથું મગરનું હોવાનું જાણવા મળ્યું હતું. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીનું કહેવું છે કે ભારતમાં મગરનો સંરક્ષિત પ્રજાતિમાં સમાવેશ થાય છે.

હવે વન વિભાગ પાસે મગરનું કપાયેલું માથું છે. જેથી તેની તપાસ થઈ શકે. બીજી તરફ આ મામલે જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કસ્ટમ અધિકારીઓને જણાવ્યું કે તેણે ન તો કોઈ મગરને માર્યો છે કે ન તો તેનો શિકાર કર્યો છે પરંતુ તેને થાઈલેન્ડથી ખરીદ્યો છે. તેણે એ પણ કહ્યું કે તેને ખબર નહોતી કે ભારતમાં આ પ્રકારની વસ્તુ પર પ્રતિબંધ છે.