લોગ વિચાર.કોમ
અરબી સમુદ્રમાં આકાર પામી રહેલી નવી વાવાઝોડા સિસ્ટમના પ્રભાવ હેઠળ ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજયોનાં અનેક ભાગોમાં હવામાન પલટા સાથે વરસાદનો દોર શરૂ થયો છે. આવતા દિવસોમાં વધુ રાજયોમાં વાતાવરણ પલટાવવાની તથા વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગનાં રીપોર્ટ પ્રમાણે કર્ણાટકનાં દરીયાકિનારા પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં વાવાઝોડાની સિસ્ટમ આકાર લઈ રહી છે. 24 કલાકમાં લો-પ્રેસર બનશે અને તે શકિતશાળી બનવા સાથે ઉતર તરફ આગળ વધશે.
સાયકલોનિક સરકયુલેશનના પ્રભાવ હેઠળ મહારાષ્ટ્ર સહીતનાં રાજયોમાં વરસાદી ગતિવિધી જોર પકડવાની તથા 50-60 કીમીની ઝડપના પવન સાથે વરસાદ થવાની શકયતા છે.
મૂંબઈ સહિતના ભાગોમાં ગઈ મોડીસાંજે જોરદાર વરસાદ ખાબકયો હતો અને અનેક ભાગો જળબંબાકાર બન્યા હતા. જોગેશ્ર્વરીમાં એક કલાકમાં અઢી ઈંચ (63 મીમી પાણી વરસ્યુ હતું) અંધેરી, મલાડ,કાંદીવલી, બોરીવલી, મીરારોડ, જેવા પરા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હતો. સાકીનાકા તથા અંધેરી સ્ટેશન વચ્ચે જળબંબાકારથી ટ્રાફિક જામ હતો.
સબ-વે પાણીમાં ડુબી ગયો હતો. થાણે જેવા અન્ય ભાગોમાં પણ વરસાદ નોંધાયો હતો. આગામી તા.24 સુધી તોફાની પવન સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.રાયગર, પાલઘર સહિતનાં ભાગો માટે આગાહી થઈ છે.
ગુજરાતમાં પણ વરસાદી ગતિવિધી વધી હોય તેમ રાજયના 31 તાલુકામાં અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. સિસ્ટમ આગળ વધવા સાથે વરસાદનું જોર વધવાની શકયતા છે.
બીજી તરફ હવામાન વિભાગ દ્વારા દિલ્હી, પંજાબ, હરીયાણા, ઉતર પ્રદેશ જેવા રાજયોમાં પણ હવામાન પલટો થવા સાથે વરસાદ થવાની આગાહી કરી છે.
સુરત અને આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ ચાલુ : વાવાઝોડા અને વીજળીના કડાકા : પ્રિમોનસૂન એક્ટિવિટી પૂરજોશમાં ચાલુ : સુરતમાં સવારે 6 વાગ્યાથી ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે : સૌરાષ્ટ્રમાં પણ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. : નવીનતમ ઇનસેટ છબીમાં, અરબી સમુદ્રમાં ભારે વાદળો જોઈ શકાય છે.