લોગ વિચાર :
ફિલ્મ નિર્માતાઓ ઘણીવાર સિનેમાની દુનિયામાં કાલ્પનિક દુનિયા રજૂ કરે છે કે જેની પાછળનો તર્ક એ છે કે લોકો ફિલ્મોમાં વાસ્તવિક જીવનથી અલગ વસ્તુઓ જોવાનું પસંદ કરે છે. પરંતુ બીજી તરફ સિનેમાને સમાજનો દર્પણ પણ કહેવામાં આવે છે. તેથી, જો વાસ્તવિક જીવનની સમસ્યાઓને સિનેમાના પડદા પર દર્શાવવામાં આવે છે, તો સામાન્ય માણસ પણ તેમની સાથે જોડાયેલો અનુભવે છે. આ અઠવાડિયે સીધી OTT પર રિલીઝ થયેલી ફિલ્મ ‘દેઢ બીઘા જમીન’ પણ આવી જ વાર્તા છે.
નામ પ્રમાણે જ આ ફિલ્મની વાર્તા ‘દેઢ બીઘા જમીન’ની આસપાસ ફરે છે. ફિલ્મનું મુખ્ય પાત્ર અનિલસિંહ છે કે જે પૂર્વીય ઉત્તરપ્રદેશમાં ઘઉંનો વેપારી છે. તેના પિતાનું ઘણા સમય પહેલા અવસાન થયું હોવાથી તેની નાની બહેનના લગ્ન કરવાની જવાબદારી પણ અનિલની છે. દહેજની મોટી રકમ એકઠી કરવા માટે, તે પોતાની દોઢ વીઘા જમીન વેચવાનું નક્કી કરે છે જે તેના પિતાએ દાયકાઓ પહેલા ખરીદી હતી.
પ્રોપર્ટી ડીલર તેને કહે છે કે તેની જમીન પર ધારાસભ્ય દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે પરંતુ નિરાશ થવાને બદલે અનિલે સિસ્ટમ સામે લડવાનું નક્કી કર્યું છે. શું તે સિસ્ટમ સામે લડી શકશે અને તેની બહેનના લગ્ન કરી શકશે કે નહીં? એ વાત તમને આખી ફિલ્મ જોયા પછી જ જાણવા મળશે.
ફિલ્મના દિગ્દર્શક પુલકિત આ ફિલ્મના તેના લેખક પણ છે. સંવેદનશીલ વિષય પર લખાયેલી લગણીસભાર વાર્તાને તેમણે સુંદર રીતે પડદા પર રજૂ કરી છે. લગભગ અઢી કલાકની આ ફિલ્મ દર્શકોને ક્યાંય બોર કરતી નથી અને શરૂઆતથી જ મુદ્દા પર પહોંચી જાય છે. ફિલ્મના પાત્રો તમને શરૂઆતથી જ દેખાવા લાગે છે. ઈન્ટરવલ પછી વાર્તા વધુ રોમાંચક બની જાય છે.
એકંદરે આ ફિલ્મ દર્શકોને સિસ્ટમની ક્રૂરતા સામે સામાન્ય માણસની લાચારીનો અહેસાસ કરાવે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ દર્શકોને થોડો હચમચાવી નાખે છે. ઓવરઓલ ફિલ્મ ઘણી સારી છે. ફિલ્મમાં તમામ કલાકારોનું પરફોર્મન્સ પણ સારું છે. અનિલસિંહના પાત્રમાં પ્રતિક ગાંધીએ જબરદસ્ત કામ કર્યું છે. ફિલ્મમાં પ્રતિક સિવાય ખુશાલી કુમાર, દુર્ગેશ કુમાર અને પ્રસન્ન બીસ્ટ જેવા કલાકારોએ પણ સારું કામ કર્યું છે.