Operation Sindoor પછી સંરક્ષણ બજેટમાં 50,000 કરોડ રૂપિયાનો વધારો થઈ શકે

લોગ વિચાર.કોમ

પહલગામ હુમલા પછી ભારતે કરેલા ઑપરેશન સિંદૂર બાદ ભારત હવે એના 2025-26ના સંરક્ષણ બજેટમાં 50,000 કરોડ રૂપિયાનો વધારો કરી શકે એમ છે અને એના પગલે સંરક્ષણબજેટ પાછળ કુલ ખર્ચ 7લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. વધારાનું ભંડોળ આધુનિક શસ્ત્રોની ખરીદી, રિસર્ચ અને ડેવલપમેન્ટ તથા સ્વદેશી ડિફેન્સ ટેક્નોલોજીને ટેકો આપવા માટે વાપરવામાં આવશે.

આ મુદે સૂત્રોએ જણાવ્યું હતું કે ઑપરેશન સિંદૂર પછી પૂરક બજેટ દ્વારા 50,000 કરોડ રૂપિયાની વધારાની જોગવાઈનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એને સંસદના શિયાળુ સત્રમાં મંજૂરી મળી શકે છે.આ વર્ષે સંરક્ષણ માટે કેન્દ્રીય બજેટમાં રેકોર્ડ 6.81 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 9.53 ટકા વધારે હતા.

ભારતીય જનતા પાર્ટી પ્રણિત નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ સરકાર સત્તામાં આવી ત્યારથી છેલ્લાં 10 વર્ષમાં સંરક્ષણ બજેટમાં લગભગ ત્રણગણો વધારો જોવા મળ્યો છે. 2014-15માં સંરક્ષણબજેટ 2.29 લાખ કરોડ રૂપિયા હતું. આ વર્ષે 6.81 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે કુલ બજેટના 13.45 ટકા છે.