દિલ્હી ફરવા માટે વિશ્વનું પાંચમું સૌથી સસ્તું શહેર

લોગ વિચાર.કોમ

દુનિયામાં ફરવા માટે વર્ષ 2025માં સૌથી કિફાયતી (પોષાઈ શકે તેવા) શહેરોમાં દિલ્હી પાંચમા ક્રમે છે, જયારે પહેલા નંબરે પોર્ટુગલનું અલ્ગાર્વે શહેર છે. બ્રિટીશ કંપની યુકે પોસ્ટ ઓફિસની વાર્ષિક હોલિડે મનીએ પોતાના રિપોર્ટમાં આ યાદી જાહેર કરી છે.

યાદી તૈયાર કરવા માટે પોસ્ટ ઓફિસે દુનિયાભરના 47 લોકપ્રિય યાત્રાસ્થળને જોયા. ત્યારબાદ ખોરાકથી લઈને પેય પદાર્થોની રોજની સરેરાશ ખર્ચની ગણતરી કરી. ત્યારબાદ આ યાદી તૈયાર કરવામાં આવી.

આ ખર્ચમાં વિમાન યાત્રા અને હોટેલનો ખર્ચ સામેલ નથી કરાયો. યાદીમાં પ્રથમ ક્રમે પોર્ટુગલનું અલ્ગાર્વે શહેર છે. બીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન, ત્રીજા સ્થાને જાપાનનું ટોકયો, ચોથા ક્રમે ઈન્ડોનેશિયાનું બાલી અને પાંચમા નંબરે ભારતનું દિલ્હી શહેર છે.

ભારતનું દિલ્હી ટોપ પાંચમા સામેલ છે. કિંમતોમાં 10.7 ટકાના ઘટાડાનું કારણ તે 2024માં 13માં સ્થાનથી આ વર્ષે પાંચમા સ્થાને પહોંચી ગયું છે. દિલ્હીમાં આવશ્યક વસ્તુઓનો દૈનિક ખર્ચ લગભગ 89.68 ડોલર છે.

ઓછા ભાવોના આધારે મુલ્યાંકન
પોર્ટુગલમાં અલ્ગાર્વે વર્ષ 2025માં યાત્રા કરવા માટે સૌથી સસ્તી જગ્યા છે. પોર્ટુગલના દક્ષિણી તટ પર આવેલ આ ક્ષેત્ર ભોજન અને પેય પદાર્થોની સતત ઓછી કિંમતોના કારણે ટોપ સ્થાને છે. જયાં યાત્રા માટે જરૂરી વસ્તુ માટે સરેરાશ દૈનિક બજેટ લગભગ 76.06 ડોલર છે.

યાદીમાં બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાનું શહેર કેપટાઉન છે, જે 2024ની યાદીમાં પણ બીજા ક્રમે હતુ. કેપટાઉનમાં જરૂરી વસ્તુઓના કુલ દૈનિક ખર્ચ 77.19 ડોલર છે. જાપાનનું શહેર ટોકયો આ યાદીમાં ત્રીજા નંબરે છે. તે ગત વર્ષે ચોથા નંબરે હતું.

જાપાનની રાજધાની સામાન્ય રીતે સસ્તી નથી માનવામા આવતી. પરંતુ દૈનિક ખર્ચ 81.71 ડોલર છે, જે લંડન કે પેરિસમાં ખર્ચ કરાતી રકમથી ઓછો છે. આ યાદીમાં બાલી ચોથા ક્રમે પહોંચી ગયું છે.

સમુદ્ર તટના કિનારે વસેલું શહેર કુટામાં સરેરાશ દૈનિક ખર્ચ લગભગ 86.28 ડોલર છે. કિંમતો ગત વર્ષ લગભગ પાંચ ટકા વધુ છે પણ બાલી હજુ પણ બહેતરીન જગ્યા છે.