સરકારના તમામ પ્રયાસો છતાં ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો નથી

લોગવિચાર :

કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં ડુંગળીનાં ભાવ નિયંત્રણમાં આવી રહ્યાં નથી. રાજધાની દિલ્હી સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં ડુંગળીનાં ભાવમાં ઘટાડો થવાનાં કોઈ સંકેત દેખાઈ રહ્યાં નથી. છૂટક બજારમાં ડુંગળીના ભાવ હજુ પણ રૂ. 70 થી રૂ. 80 પ્રતિ કિલો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં તેની કિંમત રૂ. 27 પ્રતિ કિલો છે.

આવી સ્થિતિમાં દેશભરમાં ડુંગળીની સરેરાશ કિંમત 49.98 રૂપિયા પ્રતિ કિલો છે. એક સપ્તાહ પહેલાં સામાન્ય માણસની મુશ્કેલીને જોતાં કેન્દ્ર સરકારે ઓછાં ભાવે ડુંગળી વેચવાનો નિર્ણય લીધો હતો. જેમાં દિલ્હી-એનસીઆર, મુંબઈના લોકોને 35 રૂપિયા પ્રતિ કિલોના દરે ડુંગળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ છતાં બજારમાં ડુંગળીનાં ભાવ ઘટી રહ્યા નથી.

રાજધાની દિલ્હીમાં છેલ્લા 10 દિવસમાં 5 થી 7 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે અન્ય રાજ્યોમાં આ વધારો 3 થી 5 રૂપિયા પ્રતિ કિલોના દરે જોવા મળ્યો હતો. 31 ઓગસ્ટે ડુંગળીનાં ભાવ 55 રૂપિયા પ્રતિ કિલો હતાં. જે 10 સપ્ટેમ્બર સુધીમાં 58-60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.

ડુંગળીનાં વેપારીઓનું કહેવું છે કે શ્રાવણ મહિનાને કારણે ભાવમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ હવે ડુંગળીનાં ભાવમાં ફરી વધારો થયો છે. વરસાદનાં કારણે ટ્રકોની અવરજવરને અસર થઈ છે. ટ્રકો બજારોમાં સમયસર પહોંચી શકતી નથી. તેથી આગામી દિવસોમાં ડુંગળીની કિંમતોમાં વધુ વધારો જોવા મળી શકે છે.

આગામી મહિનાઓમાં ડુંગળીની ઉપલબ્ધતા સારી રહેવાની ધારણા છે. કારણ કે આ વર્ષે ખરીફ વાવણી વિસ્તારમાં આ વર્ષે 102 ટકાનો વધારો જોવા મળ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ દ્વારા એકત્ર કરવામાં આવેલાં ડેટા અનુસાર ડુંગળીનો સરેરાશ ભાવ 49.98 રૂપિયા પ્રતિ કિલો હતો જ્યારે તેનો પ્રવર્તમાન દર 50 રૂપિયા પ્રતિ કિલો છે.

સરકારી એજન્સીઓ નાફેડ અને એનસીસીએફ સસ્તી ડુંગળી વેચી રહી છે. આ એજન્સીઓ મોબાઈલ એપ દ્વારા ડુંગળી વેચી રહી છે. જો સરકાર ભવિષ્યમાં આટલાં ઓછા ભાવે ડુંગળી વેચવાનું ચાલું રાખશે તો ડુંગળીનાં ભાવ નીચે આવી શકે છે. એજન્સીઓ પાસે હાલમાં 4.7 લાખ ટન ડુંગળીનો સ્ટોક છે.

ગ્રાહક બાબતોનાં સચિવ નિધિ ખરેએ ગયાં અઠવાડિયે કહ્યું હતું કે આગામી મહિનાઓમાં ડુંગળીની ઉપલબ્ધતા અને ભાવની આગાહી સકારાત્મક છે. ખરીફ સિઝનમાં ડુંગળીનાં વાવેતર હેઠળનો વિસ્તાર ગયાં મહિને ઝડપથી વધીને 2.9 લાખ હેક્ટર થયો હતો જ્યારે એક વર્ષ અગાઉનાં સમયગાળામાં તે 1.94 લાખ હેક્ટર હતો. ખરેએ કહ્યું હતું કે લગભગ 38 લાખ ટન ડુંગળીનો સ્ટોક હજુ પણ ખેડૂતો અને વેપારીઓ પાસે ઉપલબ્ધ છે.

કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા બાબતોનાં મંત્રી પ્રહલાદ જોશીએ સસ્તી ડુંગળી આપવાની યોજના શરૂ કરતાં કહ્યું હતું કે પ્રથમ તબક્કામાં દિલ્હી, એનસીઆર અને મુંબઈનાં લોકોને ડુંગળી ઉપલબ્ધ થશે. બીજા તબક્કામાં, તે રાજ્યની રાજધાનીઓમાં શરૂ કરવામાં આવશે.

આ સપ્તાહથી બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. કોલકાતા, ગુવાહાટી, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ, અમદાવાદ, રાયપુર જેવા શહેરોને બીજા તબક્કામાં આવરી લેવામાં આવશે. જ્યારે ત્રીજા તબક્કામાં દેશભરમાં સસ્તા ભાવે ડુંગળી વેચવામાં આવશે. આ ત્રીજો તબક્કો સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહથી શરૂ થશે.