helicopter Charter Planes દ્વારા મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે ભક્તો આવી રહ્યા છે

લોગ વિચાર :

Mahakumbh પહોંચવા માટે શ્રધ્ધાળુઓને મહા ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ છે ત્યારે જેની પાસે પૈસા છે તેઓ હેલિકોપ્ટર અને ચાર્ટર પ્લેનથી મહાકુંભમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છે. જેનું ભાડુ 35 હજારથી દોઢ લાખ સુધી વસુલાય છે.

મહાકુંભની આભાથી અભિભૂત શ્રધ્ધાળુઓ દેશના ખૂણે ખૂણેથી પ્રયાગરાજ આવી રહ્યા છે. કેટલાક શ્રધ્ધાળુઓ હેલિકોપ્ટર બુક કરાવી રહ્યા છે અને સીધા સંગમનગરી જ નહીં બલકે વારાણસી, ચિત્રકૂટ અને અયોધ્યા પહોંચી રહ્યા છે.

ભારે ભીડના કારણે વારાણસીના 22 લોકોએ સંગમ સ્નાન માટે હોલિકોપ્ટરની સેવા લીધી છે.  ઉત્તરપ્રદેશ ઈકો ડેવલપમેન્ટ બોર્ડ અને ફલાય ઓલાના સહયોગથી પ્રયાગરાજ એરપોર્ટ પર હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. અહીં 35 હજાર રૂપિયામાં એક વ્યકિતની બુકીંગ થઈ રહી છે. શ્રધ્ધાળુઓને હેલિકોપ્ટરથી બોટ કલબ હેલિપેડ સુધી લઈ જવામાં આવે છે.

જયાંથી તેમને બોટથી સંગમ તટ સુધી લઈ જવામાં આવે છે, જયાં તેઓ આસ્થાની ડૂબકી લગાવે છે અને સ્નાન બાદ શ્રધ્ધાળુ એ બોટથી હેલિપેડમાં પરત ફરે છે અને હેલિપેડથી ફરી એરપોર્ટ પરત ફરે છે.

28 મોટા શહેરોમાં હેલિકોપ્ટર સેવા શરૂ
ફલાય ઓલા ગ્રુપના સીઈઓ કેપ્ટન આર એસ સહગલે જણાવ્યું હતું કે સરકારની ઈચ્છાથી દેશના 28 મોટા શહેરોમાં પવિત્ર સંગમ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. 180થી વધુ શ્રધ્ધાળુઓ હૈદ્રાબાદ, ચેન્નઈ, મુંબઈ, જયપુર અને કોલકાતા સહિત અન્ય શહેરોમાં હેલિકોપ્ટર અને ચાર્ટર પ્લેનથી ગયા છે.

અયોધ્યા, ચિત્રકૂટ, વારાણસી અને નૈમિષારણ્ય માટે હેલિકોપ્ટરનું ખાસ પેકેજ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત એક વખતમાં 6 શ્રધ્ધાળુઓને લાવી શકાય છે. સ્નાનપર્વ પહેલા અયોધ્યા માટે 24 અને વારાણસી માટે 18 યાત્રી હેલિકોપ્ટરથી દર્શન કરીને પાછા ફર્યા હતા. વારાણસી સ્થિત બાબતપુર એરપોર્ટથી પ્રયાગરાજ સેવાનો 22 લોકોએ લાભ ઉઠાવ્યો છે. શ્રધ્ધાળુ દીઠ 42 હજાર રૂપિયા (જીએસટી સહિત) ખર્ચ થયો હતો.

આ ઉપરાંત ચાર્ટર હેલિકોપ્ટર એટલે કે હોલિકોપ્ટર ભાડે રાખીને પણ તીર્થયાત્રી જઈ રહ્યા છે. બનારસથી પ્રયાગરાજની સફર માત્ર 40 મિનિટમાં પૂરી થાય છે. 6 લોકોનો હેલિ ચાર્ટર ખર્ચ આઠ લાખ રૂપિયા આસપાસ છે. પ્રયાગરાજ એરપોર્ટથી સંગમ સ્થળ સુધીનું ભાડુ પ્રતિ વ્યકિત 35 હજાર રૂપિયા છે. ઉપરાંત વારાણસી-ચિત્રકૂટ માટે 78 હજાર રૂપિયા અને નૈમિષારણ્ય માટે 1.53 લાખ રૂપિયા છે.