લોગ વિચાર :
એક એપ્રિલથી ઓનલાઇન જાહેરાતો પર ડિજિટલ ટેક્સ દૂર થશે સરકારે સોમવારે ફાઇનાન્સિયલ બિલ ૨૦૨૫માં ૫૯ સંશોધનો હેઠળ ઓનલાઇન જાહેરાતો પર સમાનીકરણ કર (ઇકવાલિઝેશન લેવી) કે ડિજિટલ ટેક્સને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
બિલ પર લોકસભામાં ચર્ચા થઇ હતી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓનલાઇન જાહેરાતો પર ઇકવાલિઝેશન લેવીને હટાવવાનો પ્રસ્તાવ અમેરિકા પ્રત્યે એક ઉદાર વલણ દેખાડવા માટે લાવવામાં આવ્યો છે.
આ સંશોધનને કારણે ડિજિટલ જાહેરાતોથી નાણા કમાવનારી વૈશ્વિક કંપનીઓ ગૂગલ,એક્સ અને મેટા જેવી કંપનીઓને મોટો લાભ થશે. આ સંશોધન મુજબ ૬ ટકા ઇક્વાલિઝેશન લેવી દૂર કરવામાં આવ્યો છે. જેના કારણે આ કંપનીઓને ડાયરેક્ટ ફાયદો થશે.
ઇકવાલિઝેશન લેવી એક પ્રકારનો ટેક્સ છે જે ભારત સરકારે ૨૦૧૬માં રજૂ કર્યો હતો. આ ટેક્સ વિદેશી ડિજિટલ કંપનીઓ લગાવવામાં આવતો હતો. જે ભારતીય યૂઝર્સ માટે ડિજિટલ સર્વિસ જેવી કે એડ્સ, ઓનલાઇન શોપિંગ, ક્લાઉડ સર્વિસ ઓફર કરે છે.
આ ફાઇનાન્સિયલ બિલ ૨૦૨૫માં સંશોધન કેન્દ્રીય નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
સરકારે ગયા વર્ષે ઇ કોમર્સ લેવડદેવડ પર બે ટકા ઇકવાલિઝેશન લેવી દૂર કરવામાં આવ્યો હતો. જો કે ઓનલાઇન જાહેરાતો પર છ ટકા ઇકવાલિઝેશન લેવી ચાલુ રાખ્યો હતો.