સોમવારે રમા એકાદશીથી દિપોત્સવી પર્વનો પ્રારંભ

લોગવિચાર :

તા.28-10ના સોમવાર આસો વદ અગિયારસ ના દિવસે રમા એકાદશી છે રવિવારે અગિયારસની વૃદ્ધિ તીથી છે અને સોમવારે પણ અગિયારસ છે આથી પંચાંગ પ્રમાણે સોમવારે રમા એકાદશી છે સાથે આ દિવસે વાઘબારસ પણ છે  આથી આ દિવસે રમા એકાદશી અને વાઘ બારસ બંને તહેવાર સાથે ઉજવાશે.

આ દિવસ થી દિપાવલી ના મહાપર્વની શરૂઆત થશે. રમા એકાદશીનું વ્રત કરવાથી એકાદશી ના નામ મુજબ લક્ષ્મી અને ધન ની તથા સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. રમા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી અને નિત્ય કર્મ કરી ત્યારબાદ સૌપ્રથમ સૂર્યને અર્ધ્ય આપવું અને ત્યાર પછી આખા ઘરમાં ગંગા જળ છાંટવું અથવા તો ગૌમૂત્ર છાટવુ ઘરને પવિત્ર કરવુ ત્યારબાદ તુલસીની પૂજા કરવી અને એક બાજોઠ અથવા પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેની ઉપર ચોખા રાખી અને લક્ષ્મી-વિષ્ણુ ભગવાનની છબી રાખવી અને તેનું પૂજન કરવું. નૈવેદ્ય માં કેળા ખાસ ધરાવવા. ત્યારબાદ એકાદશીની કથા વાંચવી. બપોરના સમયે સૂવું નહિ, સાંજના ભગવાનનું કીર્તન કરવું, ઉપવાસ અથવા એકટાણું રહેવું. રાત્રીના 12 વાગ્યા સુધીનું જાગરણ કરવું. રમા એકાદશી ની પૂજા સવારના પૂરી થાય એટલે ત્યારબાદ વાઘ બારસ માટે ગાયની પૂજા કરવી.

રમા એકાદશી ના દિવસથી અયોધ્યાવાસીઓને શ્રીરામ ભગવાન ના આવવાના સમાચાર મળેલા. આથી આ દિવસથી રંગોળી કરવાની શરૂઆત થયેલી. આમ રામ ભગવાનના  સમય થી રમા એકાદશી ના દિવસ થી બેસતા વર્ષ સુધી લોકો રંગોળી કરે છે.

સોમવારે વાઘબારસ મનાવાશે
આસો વદ અગિયારસ ને સોમવાર તારીખ 28 ઓક્ટોબર આ દિવસે  સવાર ના 7.52 સુધી અગિયારસ તિથિ છે ત્યારબાદ આખો દિવસ રાત્રી બરસ તિથિ છે આથી દરેક પંચાંગ પ્રમાણે આ દિવસે વાઘબારસ છે

આ દિવસે ગાયની પૂજાનું મહત્વ વધારે છે. એક માન્યતા પ્રમાણે આ દિવસે જ્યારે દેવતા અને દાનવો એ જ્યારે સમુદ્ર મંથન કરેલું ત્યારે કામધેનુ ગાય જે દિવસે નીકળેલ એ દિવસ વાઘ બારસ નો દિવસ હતો આથી આ દિવસે ગાય ની પૂજાનું મહત્વ વધારે છે  ગાય તથા વાછરડા ને શણગાર કરવો, ઘાસ નાખવું, પ્રદક્ષિણા ફરવી.

આ દિવસે જો પતિ પત્ની બન્ને સાથે ભેગા મળી અને વિષ્ણુ-લક્ષ્મીજીનું પૂજન કરે તો દામ્પત્ય જીવન મા મીઠાશ આવે છે. જે લોકોને સંતાન થતા ન હોય તો આ દિવસે પતિ પત્ની બંનેએ ભેગા મળે ગાયને પૂજા કરવી તથા વિષ્ણુ ભગવાનની લક્ષ્મીજી સાથે પૂજા કરવી

આ વર્ષે રમા એકાદશી તથા વાઘ બારસ બંને તહેવાર સાથે હોતા બંને તહેવારની પૂજા ઉપવાસ એકટાણુ કર્યા નું ફળ એક સાથે મળશે શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ પછી આ જ દિવસે યશોદા માતાએ ભગવાનને ગાયના દર્શન કરાવેલા. આ દિવસે કોઈપણ મહિલા અથવા પુરૂષ પોતાના પરિવારની સુખ-શાંતિ માટે ઉપવાસ અથવા એકટાણું રહી શકે છે.

ખાસ કરીને આ દિવસને  વાક બારસ કહેવામાં આવે છે 
વાક નો એક અર્થ  વાણી થાય છે પરંતુ આ શબ્દ થોડો બદલાય અને કાળક્રમે આ તહેવારનું નામ વાઘબારસ પડી ગયેલું પરંતુ આ દિવસે ખાસ કરીને સરસ્વતી માતાજીની પૂજા નું મહત્વ વધારે છે આથી આ દિવસે સરસ્વતી માતાજી ની પૂજા ખાસ કરવી જૂની પરંપરા પ્રમાણે આ દિવસે વ્યાપારી લોકો પોતાનું જૂનું દેવું પૂરું કરે છે અને નવા વર્ષની શરૂઆત કરે છે આમ દેવું પૂરું કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ ગણાય છે