શું તમે નવી આધાર એપના આ છ ફાયદા જાણો છો?

લોગ વિચાર.કોમ

આધાર કાર્ડનો ઉપયોગ સરળ બનાવવા માટે નવી આધાર એપ લોન્ચ કરવામાં આવી છે. દાવો કરવામાં આવે છે કે, એપથી લોકોનું વેરિફિકેશન ચપટી વગાડતા કરવામાં આવશે.

તે યુપીઆઈ ચુકવણી જેટલું સરળ હશે. જે રીતે તમે દુકાનદારને ચૂકવણી કરવા માટે તમારા ફોનમાંથી QR કોડ સ્કેન કરો છો, તેવી જ રીતે આગામી દિવસોમાં તમારા ફોનથી QR  કોડ સ્કેન કરીને તમે તમારી ઓળખ સાબિત કરી શકશો.

આ એપ્લિકેશનને ભારત માટે ગેમ ચેન્જર તરીકે વર્ણવવામાં આવી રહી છે, કારણ કે આજકાલ આધારનો ઉપયોગ તમામ સેવાઓમાં થાય છે. નવી એપ્લિકેશન ઝડપથી વેરીફીકેશન પૂર્ણ કરવામાં મદદરૂપ થશે

નવી એપ્લિકેશનનું નામ શું છે?
નવી એપનું નામ હજુ સુધી સામે આવ્યું નથી. જો કે કેટલાક રિપોર્ટ્સમાં એમ-આધાર એપને જ અપડેટ કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. નવી એપ્લિકેશન પણ યુઆઈડીએઆઈ સાથે બનાવવામાં આવી છે.

એપની મદદથી કોઇ પણ વ્યક્તિની ઓળખની ચકાસણી કરી શકાશે. તેનાથી એ જાણવામાં મદદ મળશે કે તમારી સામેની વ્યક્તિની ઓળખ સાચી છે કે નહીં. આનાથી છેતરપિંડી અટકાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે

કેવી રીતે કામ કરશે નવી આધાર એપ ?
અત્યાર સુધી સામે આવેલી જાણકારી મુજબ તેની પદ્ધતિ ખૂબ જ સરળ છે. તમારે તમારા વોલેટમાં આધાર કાર્ડ રાખવાની જરૂર રહેશે નહીં. પોકેટમાં  તમારો મોબાઇલ જ પુરતો છે. તમે જે સ્થળે જઈ રહ્યા છો જેમ કે પરીક્ષા કેન્દ્ર અથવા હોસ્પિટલ અથવા બેંકમાં કોઈ પણ કામ માટે. ત્યાં ગયા બાદ તમારે તમારા મોબાઇલ પર એક નવી આધાર એપ ખોલવી પડશે. પછી ત્યાંનો ક્યૂઆર કોડ સ્કેન કરવો પડશે. સ્કેન થતાંની સાથે જ તમારી ઓળખની ચકાસણી કરવામાં આવશે

નવી આધાર એપના મહત્વનાં ફાયદાઓ
- હોટલ રિસેપ્શન, દુકાન, બેંક વગેરેમાં આધાર કાર્ડની કોઈ ફોટોકોપી બતાવવાની રહેશે નહીં.
- QR કોડ સ્કેન કરીને, તમારી ખરાઈ થઈ જશે, તેનાથી તમારી વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહેશે.
- આધારને ચકાસવા માટે તમારે તમારી ફિંગરપ્રિન્ટ અથવા આઇરિસ સ્કેનર આપવાની જરૂર રહેશે નહીં.
- કોઈ પણ તમારી આધાર કોપીનો દુરૂપયોગ કરીને તેને બનાવટી બનાવી શકશે નહીં. આધાર કોપી શેર કર્યા બાદ લોકોને ચિંતા છે કે તેનો ખોટો ઉપયોગ ન થવો જોઇએ, હવે ચિંતા કરવાની જરૂર નહીં રહે.