દેશભરના તબીબો આક્રોશ સાથે હડતાળ : તબીબી સેવા ઠપ્પ

લોગ વિચાર :

પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની મહિલા તબીબ પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાથી દેશભરમાં આક્રોશ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં ઈન્ડીયન મેડીકલ એસોસીએશને આપેલા આહવાન પર દેશના ડોકટરો હડતાળ પર ઉતરતા રાષ્ટ્રીય સ્તરે આરોગ્ય સેવા ઠપ્પ થઈ ગઈ હતી. આઈએમએએ 24 કલાકની રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે.

આ હડતાલ દરમિયાન નોન ઈમરજન્સી સેવાઓ ઠપ્પ રહી હતી અને પરંતુ ઈમરજન્સી સેવાઓ ચાલુ રહી હતી. રૂટીન ઓપીડી બંધ રહી હતી. આજે દેશવ્યાપી હડતાલમાં દેશના ડોકટરોએ જોડાઈને કોલકાતામાં મહિલા તબીબ પર દુષ્કર્મ-હત્યાની ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ મુદે દેશભરના તબીબોએ એકતા બતાવી હતી. ઈન્ડિયન મેડીકલ એસોસીએશને જણાવ્યું હતું કે, નિશ્ચિત સમય ગાળામાં પીડિતાને ન્યાય મળવો જોઈએ અને આ કાંડમાં સંડોવાયેલાને તાકીદે સખત સજા મળવી જોઈએ.

દેશમાં ઉતરાખંડ સહિત ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજયોમાં આજે આઈએમએએ આપેલા હડતાલને દેશભરના તબીબોનું વ્યાપક સમર્થન મળ્યું હતું. ઉતરાખંડના સંઘના પ્રાંતીય અધ્યક્ષ ડો. મનોજ વર્મા અને ડો. રમેશ કુંવરે જણાવ્યું હતું કે આ નૃશંસ ઘટનાના વિરોધમાં અને અમારા સાથી ચીકીત્સકને ન્યાય અપાવવા માટે દેશ-રાજયના ડોકટરો એક સાથે ઉભા છે.

તેમણે જણાવ્યું હતું કે, કોલકાતામાં ભીડના શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા તબીબો પર હુમલો કરવો અને હોસ્પિટલમાં તોડફોડ રાજય સરકારની નિષ્ફળતા છે. તેમણે જણાવ્યું હતું કે ચીકીત્સાલયોમાં ચીકીત્સા કર્મીઓની સુરક્ષા માટે જે એકટ બન્યો છે તેનું સખ્તાઈથી પાલન કરવામાં આવે.

જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને. આજે તબીબોએ પોતપોતાના ચીકીત્સાલયો, કાર્યાલયોમાં પોસ્ટર-બેનર સાથે દેખાવો કરી કેંડલ માર્ચ કાઢી પીડિતાને શ્રદ્ધાંજલી આપી હતી.