લોગ વિચાર :
વીમા પોલીસી પરનો જીએસટી નાબૂદ કરવાની માંગ સાથે નીતિન ગડકરીએ પોતાની જ સરકારને ભીંસમાં મુક્યા બાદ હવે શિક્ષણ મંત્રાલયે પણ શૈક્ષણિક ક્ષેત્રે જીએસટી મામલે સવાલ ઉઠાવ્યો છે અને મામલો નાણાં મંત્રાલય સમક્ષ રજુ કર્યો છે.
આઇઆઇટી સહિતની ટોચની શૈક્ષણિક સંસ્થાનોને જીએસટી નહીં ચુકવ્યાના મામલે નોટીસો ફટકારવામાં આવતા શિક્ષણ મંત્રાલયે દરમ્યાનગીરી કરીને નાણાં મંત્રાલયનું ધ્યાન દોર્યું છે.
કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે રિસર્ચ માટે ફાળવાતા ફંડ પર જીએસટી ચૂકવણી નહીં કરવા બદલ આઇઆઇટી સહિત દેશભરના શૈક્ષણિક સંગઠનોને નોટીસ ફટકારવામાં આવી છે. 2017થી 2022ના સમયગાળા માટે જીએસટી ઇન્ટેલીજન્સના ડાયરેક્ટ જનરલ દ્વારા આ નોટીસ આપવામાં આવી છે.
શિક્ષણ મંત્રાલયની રજુઆત બાદ હવે આગામી 9 સપ્ટેમ્બરે યોજાનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ચર્ચા-વિચારણા કરાશે. સૂત્રોએ કહયું કે શૈક્ષણિક સંગઠનોને બે પ્રકારના ફંડ ઉપલબ્ધ થતાં હોય છે. એકમાં કોઇ ચોક્કસ વિષયનો ઉલ્લેખ નથી હોતો પરંતુ બીજા પ્રકારનું ફંડ કોમર્શીયલ એપ્લીકેશન માટે રીસર્ચ માટે હોય છે જે કરપાત્ર હોય છે. અગાઉના સર્વિસ ટેક્સ કાયદામાં પણ તેના પર ટેક્સ લાગતો હતો.
કેન્દ્ર સરકારે અગાઉ એવી ચોખવટ કરી હતી કે રિસર્ચ માટે ફંડ આપનારા દાતા માટે કોઇ કામ કરવાનું ન હોય તો ‘સર્વિસ’ની વ્યાખ્યા લાગૂ પડતી નથી અને તેમાં જીએસટી લાગતો નથી.
ઉદ્યોગ ક્ષેત્રમાં એવો ગણગણાટ છે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં વિશ્વના દેશોની સરખામણીએ આમેય ભારત ઘણું પાછળ છે તેવા સમયે રિસર્ચ માટે પ્રોત્સાહન આપવાના બદલે તેના ફંડીંગ પર ટેક્સ વસુલવાનો નિર્ણય કેટલો વ્યાજબી છે?
ભારતે 2020-21માં રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ જીડીપીના માત્ર 0.64 ટકાનો ખર્ચ કર્યો હતો તેની સરખામણીએ બ્રીક્સ દેશોમાં સામેલ બ્રાઝીલ 1.3 ટકા, રશિયા 1.1 ટકા, ચીન 2.4 ટકા તથા દક્ષિણ આફ્રિકા 0.6 ટકાને ખર્ચ કરે છે. મેક્સીકોનો ખર્ચ 0.3 ટકા છે. જ્યારે વિક્સીન રાષ્ટ્રો બે ટકાથી વધુનો ખર્ચ કરે છે.
કરવેરા નિષ્ણાંતોએ કહ્યું કે, અગાઉ ચેરીટેબલ સંગઠનો મામલે પણ સમાન મુદ્ો ઉપસ્થિત થયો હતો. રિસર્ચ ફંડીંગ પર ડોનેશન મામલે જીએસટી કાઉન્સીલે વ્હેલીતકે નિર્ણય કરવો જોઇએ.