ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમોમાં ફેરફાર : 'નેગેટિવ પોઈન્ટ્સ'ની ફોર્મ્યુલા

લોગ વિચાર.કોમ

- જો કોઈ વાહનચાલકને 12 નેગેટિવ પોઇન્ટ મળે તો તેનું લાઇસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ, બીજીવાર 12 પોઇન્ટ મળે તો તે પાંચ વર્ષ માટે રદ

- લાઇસન્સ રિન્યુઅલ દરમિયાન પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ફરજિયાત કરાશે : ઇલેક્ટ્રિક વાહનો માટે પણ નવો નિયમ લાગુ

દેશભરમાં ટ્રાફિક સમસ્યા તથા નિયમોના છડેચોક ભંગ વિશે વખતોવખત સર્જાતા ઉહાપોહ તથા અદાલતો દ્વારા ટીકા વચ્ચે હવે કેન્દ્ર સરકાર દ્વારા નવી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહી છે જે અંતર્ગત ટ્રાફિક ભંગ કરનારા વાહન ચાલકોના લાયસન્સમાં નેગેટીવ પેઈન્ટસ અપાશે અને તેમાં ડ્રાઈવીંગ લાયસન્સ રદ કરવા સુધીની તેમાં જોગવાઈ કરાશે.

કેન્દ્રીય પરિવહન મંત્રાલયના માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ડ્રાઈવીંગ લાયસન્સના નિયમોમાં વધુ એક વખત બદલાવ કરવાની વિચારણા થઈ રહી છે. જોખમી-બેદરકારીપૂર્વક ડ્રાઈવીંગ કરવા બદલ વાહનચાલકને નેગેટીવ પોઈન્ટ આપવામાં આવશે. અનેક દેશોમાં આ પ્રકારે નેગેટીવ પોઈન્ટની સીસ્ટમ અમલમાં છે જ.

ઓસ્ટ્રેલિયા બ્રિટન, જર્મની, બ્રાઝીલ, ફ્રાંસ તથા કેનેડા જેવા દેશોમાં આ પ્રકારની સીસ્ટમ કાર્યરત છે જેમાં વારંવાર નિયમભંગ કરનારા વાહનચાલકોને દંડ-કાર્યવાહીની જોગવાઈ છે.

આ માટે સરકાર દ્વારા મોટરવાહન કાયદામાં ફેરફાર કરવામાં આવશે. ડ્રાઈવિંગ લાયસન્સ સાથે મેરિટ અને ડિમેરિટ પોઈન્ટ જોડવામાં આવશે. ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ ડિમેરિટ અર્થાત નેગેટીવ પોઈન્ટ મળશે જયારે સારી રીતે નિયમપાલન કરતા વાહનચાલકોને મેરિટ પોઈન્ટસ આપવામાં આવશે.

સૂત્રોના કહેવા પ્રમાણે માર્ગ અકસ્માતો રોકવા તથા ટ્રાફિક નિયમોનું અસરકારક રીતે પાલન કરાવવા માટે સરકારે 2019માં દંડ-પેનલ્ટીની રકમમાં તગડો વધારો કર્યો હતો છતાં તેમાં કોઈ ફેર પડયો નથી. દર વર્ષે 1.7 લાખથી વધુ લોકોનો માર્ગ દુર્ઘટનામાં ભોગ લેવાય છે. સરકાર એવુ માને છે કે લાયસન્સ જ રદ થવાના જોખમને કારણે વાહનચાલકો વધુ સતર્ક બનશે.

પરિણામે ટ્રાફિક નિયમનમાં સરળતા રહેશે. આ પ્રકારની બીકને કારણે વાહનચાલકો નિયમોનું પાલન કરતા હોવાનું દુનિયાભરમાં માલુમ પડયુ જ છે. હવે ટ્રાફિક નિયમન માટે સીસીટીવી કેમેરા સહિતના ઈલેકટ્રોનીકસ સંશોધનોનો ઉપયોગ થતો હોવાથી આ યોજના લાગુ કરવામાં તથા વાહનચાલકોને પકડવામાં પોલીસને મદદ મળી શકશે.

ટ્રાફીક સમસ્યાઓ વિશે કેન્દ્ર સરકારે 2011માં એસ.સુંદરના વડપણ હેઠળ કમીટીની રચના કરી હતી. કમીટીએ મોટર વાહન કાયદાની સમીક્ષા કરી હતી. ટ્રાફીક નિયમ ભંગ મામલે ડ્રાઈવરો-વાહનચાલકો માટે પોઈન્ટ પ્રથા સીસ્ટમ દાખલ કરવા સૂચવ્યુ હતું.

ત્રણ વર્ષમાં 12થી વધુ નેગેટીવ પોઈન્ટ મળવાના સંજોગોમાં ડ્રાઈવીંગ લાયસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી વખત 12 નેગેટીવ પોઈન્ટ થાય તો લાયસન્સ પાંચ વર્ષ માટે રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરવાના નિયમો પણ સખ્ત કરવામાં આવશે. વાહનચાલકે ટ્રાફિક નિયમ ભંગ કર્યાના રેકર્ડ હોય તો લાયસન્સ રિન્યુ કરાવવામાં પણ ડ્રાઈવિંગ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવશે. પ્રવર્તમાન કાયદામાં રિન્યુઅલ વખતે ટેસ્ટ દેવાની જરૂર નથી.

ઈલેકટ્રીક વાહન માટે પણ નિયમો બનશે અને 1500 વોટથી ઓછી ક્ષમતાના વાહન માટે લર્નિંગ લાયસન્સ ફરજીયાત છે.