‘રેમલ’ વાવાઝોડાથી બંગાળ આસપાસના ભાગોમાં ચોમાસાને આગળ વધવામાં મદદ છતાં સમગ્ર મોન્સુન પ્રભાવિત નહીં થાય: હવામાન વિભાગનું માર્ગદર્શન
લોગ વિચાર :
ભીષણ ગરમી-હીટવેવનો સામનો કરી રહેલા ભારતમાં હવે ત્રણ-ચાર દિવસમાં ચોમાસાની એન્ટ્રી થઈ જવાનો નિર્દેશ હવામાનવિભાગે કર્યો છે. મોટાભાગના ક્ષેત્રોમાં સરેરાશ કરતા પણ વધુ વરસાદ થવાનો પુર્નોચ્ચાર કરવામાં આવ્યો છે. જો કે, ચોમાસા વચ્ચે પણ મે મહિનાની જેમ જુનમાં પણ તાપમાન ઉંચુ રહેવા સાથે આકરી ગરમી રહેવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
પશ્ચિમ બંગાળમાં ત્રાટકેલા રેમલ વાવાઝોડાથી આ ક્ષેત્રમાં ચોમાસાની પ્રગતિ માટે સાનુકુળ અસર થશે પરંતુ સમગ્ર ચોમાસુ તેનાથી પ્રભાવિત થવાની સંભાવના નથી.
ભારતીય હવામાન વિભાગ દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. એ એમ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાના અણસાર છે. આઈએમડી ચીફ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસા હેઠળ સમગ્ર દેશમાં નોર્મલથી વધુ વરસાદ પડવાની શક્યતા છે.
તેમણે કહ્યું કે, આ ચાર મહિના દરમિયાન વરસાદ લોંગ ટર્મ એવરેજ નો 106 ટકા થવાની શક્યતા છે.દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં નોર્મલ વરસાદ પડે તેવા એંધાણ છે.
મહાપાત્રએ વધુમાં કહ્યું કે ભીષણ ગરમીથી તપી રહેલા દિલ્હી સહિત ઉત્તર પશ્ચમ ભારતના લોકોને 30મી મે બાદ ભીષણ લૂથી રાહત મળી શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં ભીષણ લૂ ચાલે છે અને તે આગામી 3 દિવસ સુધી ચાલુ રહી શકે છે. પરંતુ 30મી મેથી તેની તીવ્રતા ધીરે ધીરે ઘટશે કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે.
તેમણે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરમાં ભેજ આવવાના કારણે દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાના અને આ ઉપરાંત પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વરસાદ પડવાની શક્યતા છે. જેનાથી લોકોને ગરમીથી રાહત મળી શકે છે.
જો કે મહાપાત્રએ એમ પણ કહ્યું કે, આ રાહત હંગામી હશે અને જૂનના મહિનામાં દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ભારતના મોટાભાગના ભાગમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની આશંકા છે અને ઉકળાટ પણ વધશે. તેમના જણાવ્યાં મુજબ દક્ષિણી પ્રાયદ્વિપોના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહે છે.
જ્યારે ઉત્તર પશ્ચિમના ઉત્તર ભાગ અને પૂર્વ તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી ઓછું રહી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે જૂનમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગોમાં તથા ઉત્તરી મધ્ય પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી વધુ દિવસો સુધી તેજ લૂ જોવા મળી શકે છે.
મહાપાત્રએ કહ્યું કે, ઉત્તર પશ્ચિમ ભારતમાં જૂન મહિનામાં સામાન્ય રીતે ત્રણ દિવસ લૂ ચાલે છે પરંતુ આ વખતે આ વિસ્તારોમાં બે ચાર દિવસ વધુ એવી સ્થિતિ બની શકે છે એટલે કે આ વિસ્તારોમાં ચારથી છ દિવસ ભયંકર લૂ જોવા મળી શકે છે. રાજસ્થાન અને ગુજરાતમાં નવથી 12 દિવસ સુધી લૂ જોવા મળી અને તાપમાન 45થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું.
મહાપાત્રએ વધુમાં કહ્યું કે, ઓડ઼િશા અને તેની નજીકના પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્ર, દક્ષિણ છત્તીસગઢ, અને પૂર્વોત્તર રાજ્યોના અનેક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. તેમણે કહ્યું કે વરસાદ પર આધારિત કૃષિક્ષેત્રમાં પણ વરસાદ સામાન્યથી વધુ થવાની શક્યતા છે. જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ અને ઓડિશાના ભાગો સામેલ છે.