લોગવિચાર.કોમ
ચારધામ યાત્રા 2025 શરૂ થવામાં એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે. આ પહેલાં ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં અશ્વવિષયક ઈન્ફલ્યુએન્ઝા (ઘોડા અને ખચ્ચર વચ્ચે ફેલાતો ખતરનાક રોગ)ના કેસો નોંધાયા છે. રાજ્ય સરકારે તાત્કાલિક હાઈ એલર્ટ જારી કરીને ઘોડા અને ખચ્ચરની સઘન તપાસના આદેશ આપ્યા છે.
રૂદ્રપ્રયાગ જિલ્લાના વીરોન અને બસ્તી ગામમાં 18 ઘોડા અને ખચ્ચર આ રોગથી સંક્રમિત જોવા મળ્યા છે. આ માહિતી મળતાની સાથે જ પશુપાલન મંત્રી સૌરભ બહુગુણાએ મંગળવારે સચિવાલય, દેહરાદૂનમાં સમીક્ષા બેઠક બોલાવી હતી. આ ગંભીર પરિસ્થિતિની ચર્ચા કરતાં તેમણે આદેશ આપ્યો કે, ચારધામ યાત્રામાં ઉપયોગમાં લેવાતા તમામ ઘોડા અને ખચ્ચરનું સ્ક્રીનિંગ ફરજિયાત રહેશે.
એટલું જ નહીં, બહારથી લાવવામાં આવતા ઘોડા અને ખચ્ચર હવે સ્વાસ્થ્ય પ્રમાણપત્ર અને ઈક્વાઈન ઈન્ફલ્યુએન્ઝાના નેગેટિવ રિપોર્ટ વિના ઉત્તરાખંડમાં પ્રવેશી શકશે નહીં. અન્ય જિલ્લાઓ અથવા રાજ્યોમાંથી આવતા ચેપગ્રસ્ત પ્રાણીઓ દ્વારા આ રોગ વધુ ન ફેલાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.