Farmer artist : ૧૪ મણ ચોખામાંથી ૧૦ ફૂટ ઊંચી રામની પ્રતિમા બનાવી

લોગ વિચાર :

ઉત્તર પ્રદેશના ફત્તેહપુરમાં ખેતીકામ કરતા અને શિલ્‍પકારી માટે જાણીતા ડો. શૈલેન્‍દ્ર ઉત્તમ પટેલે ચોખાના દાણાથી ભગવાન રામની ૧૦ ફુટ ઊંચી રામની મૂર્તિ બનાવી છે. આ પહેલાં પણ શૈલેન્‍દ્ર અન્‍ય ચીજોની મદદથી મૂર્તિઓ બનાવી ચૂકયા છે. શૈલેન્‍દ્ર ફત્તેહપુર જિલ્લાના ધરમપુર ગામના રહેવાસી છે. તેમના પિતા એક સાધારણ ખેડૂત છે અને શૈલેન્‍દ્ર પણ પિતા સાથે ખેતીનું જ કામ કરે છે. જોકે નવરાશના સમયમાં શિલ્‍પકારી તેમનો શોખ છે. આ પહેલાં તેમણે ચોખા અને ઘઉંના દાણાથી સિક્કા, અશોકચક્ર અને અન્‍ય ભગવાની મૂર્તિઓ પણ બનાવી છે. તેમની કેટલીક ઉપલબ્‍ધિને ગિનેસ વર્લ્‍ડ રેકોર્ડ્‍સમાં સ્‍થાન પણ મળ્‍યું છે. ભગવાન રામ ૧૪ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્‍યા પાછા આવ્‍યા હતા એટલે તેમણે ૧૪ મણ ચોખાનો ઉપયોગ કરીને ભગવાન રામની મૂર્તિ બનાવી હતી. અયોધ્‍યામાં રામમંદિરની સ્‍થાપના થઈ ત્‍યારે જ તેમણે રામજી માટે કંઈક નવું સર્જન કરવાનું નક્કી કર્યું હતું. જોકે એ પછી જ્‍યારે તેમણે ફાઇનલ કર્યું કે મૂર્તિ ચોખામાંથી બનાવવી છે એ પછી તેમને ૬ મહિના લાગ્‍યા હતા. આ મૂર્તિ માટે તેમણે બે લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. રામની અનોખી મૂર્તિનાં દર્શન કરવા માટે હવે લોકોની લાઇન લાગી રહી છે.