લોગ વિચાર :
ચીનના આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્ટ એપ્લીકેશન ડીપસીક આસપાસ સર્જાયેલા રહસ્ય બાદ નાણાં મંત્રાલયે હવે તેમના તમામ વિભાગોના કર્મચારીઓને ચેટ જીટીપી અને ડીપસીક સહિતના આ પ્રકારના એઆઇ એપનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. ચીને જે રીતે ડીપસીક લોન્ચ કર્યું તે બાદ આ એેપ્લીકેશન પણ તેના યુઝર્સના ડેટા વગેરે ચીનમાં ટ્રાન્સફર કરી શકે છે.
ભારતમાં તેને સ્થાનિક સ્તરે સર્વર રાખવા માટે આદેશ અપાયો છે. તો અમેરિકામાં નિર્મીત ચેટજીટીપીએ પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે અને તેથી નાણાં મંત્રાલયએ અગાઉ જ આ બન્ને સહિતના એઆઇ એપ સામે સાવધાની શરુ કરી છે.
મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, એઆઇ ટુલ અને એઆઇ એપ જે ઉપયોગમાં લેવાય છે તે સરકારની સંવેદનશીલ અને ગુપ્ત માહિતીઓના ડેટા મેળવી શકે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે અને તેથી નાણાં મંત્રાલયે તેના તમામ અધિકારી અને કર્મચારીઓને આ પ્રકારના એપનો સત્તાવાર કામકાજમાં ઉપયોગ ન કરવા ખાસ તાકિદ આપી છે.
ઓપન એઆઇ કે જે અમેરિકાની કંપની છે અને તેણે ચેટજીપીટીનું નિર્માણ કર્યું છે તેના વડા ટૂંક સમયમાં ભારત આવી રહ્યા છે અને એઆઇ ટુલના ઉપયોગ અંગે સરકાર સાથે વાતચીત કરશે.
ચાઇનીઝ એપ ડીપસીક પર ઓસ્ટ્રેલિયા, ઇટલી સહિતના દેશોએ પણ પ્રતિબંધ મુકી દીધો છે. અગાઉ ટીકટોક એપ કે જે વીડિયો એપ તરીકે દુનિયાભરમાં સૌથી વધુ ડાઉનલોડ થયું હતું. તેના પર ભારતમાં પ્રતિબંધ મુકાયો હતો. તેનું મુખ્ય કારણ આ એપ મારફત ભારતીયોના ડેટા ચીનમાં ટ્રાન્સફર થતાં હતાં.