લોગ વિચાર :
રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ જામનગર નજીકના બેડીના દરિયા વિસ્તારમાં આવેલા પિરોટન ટાપુ પર ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, અને જામનગર જિલ્લાના એસ.પી.પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ ભારે પોલીસ પહેરા હેઠળ ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી. જ્યાં તમામ પ્રકારના ધાર્મિક દબાણો દૂર કરીને સમગ્ર ટાપુને ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો. હવે અહીં પ્રથમ વખત ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે.
પીરોટન ટાપુ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, આ ઉપરાંત આગામી તારીખ 26 મી જાન્યુઆરીએ રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ વખત ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાવા જઈ રહ્યો છે.
શહેર ડીવાયએસપી જે.એન.ઝાલાની રાવબરી હેઠળ બેડી મરિન પોલીસ સ્ટેશનના સ્ટાફ, એસ.ઓ.જી શાખા તથા અન્ય પોલીસ વિભાગની ટીમ, સાથો સાથ જામનગર સ્થિત કાર્યરત વાલસુરા-નેવી, કોસ્ટકાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓના 30 થી વધુ અધિકારીઓ અને જવાનોની ટીમ 26મી જાન્યુઆરીએ પીરોટન ટાપુ પર પહોંચશે, અને ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ પણ યોજાશે. જે અંગેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
ભારતના દરિયા કાંઠા ઉપર આવેલા અલગ અલગ ટાપુઓ, કે જ્યાં સુરક્ષાની દ્રષ્ટિએ ભારતની તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે, અને સુરક્ષાના તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે, જેનો સંદેશો પહોંચાડવાના ભાગરૂપે રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે.