લોગવિચાર :
કોલકતામાં સરકારી હોસ્પીટલની મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યાના કેસ તથા અન્ય રાજ્યોમાં આવી ઘટનાઓથી દેશભરમાં રોષ-આક્રોશ સર્જાયો છે તેવા સમયે એવા ચોંકાવનારા આંકડાકીય રીપોર્ટમાં એમ કહેવાયું છે કે દેશમાં 2017થી 2022ના પાંચ વર્ષમાં દર અઠવાડિયે રેપ વીથ મર્ડરના પાંચ બનાવ બન્યા હતા. પાંચ વર્ષમાં આ પ્રકારના 1551 બનાવ નોંધાયા હતા.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે પાંચ વર્ષ દરમ્યાન સૌથી વધુ રેપ-વીથ-મર્ડરના 294 કેસ 2018માં નોંધાયા હતા જ્યારે સૌથી ઓછા 219 કેસ 2020માં હતા. 2017માં 223, 2019માં 283, 2021માં 284 તથા 2022માં 248 કેસ નોંધાયા હતા.
રાજ્યવાર આંકડા પર નજર કરવામાં આવે તો સૌથી વધુ 280 કેસ ઉત્તર પ્રદેશમાં બન્યા હતા. મધ્ય પ્રદેશમાં 207, આસામમાં 205, મહારાષ્ટ્રમાં 155 તથા કર્ણાટકમાં 79 કેસ થયા હતા.
કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનીશીએટીવ દ્વારા થયેલા વિશ્ર્લેષણ મુજબ પાંચ વર્ષમાં રેપ વીથ મર્ડરના 15518 કેસ નોંધાયા હતા જે વર્ષે સરેરાશ 258 થવા જાય છે. અર્થાત દર અઠવાડિયે આવા 4.9 કેસ નોંધાયા હતા.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો દ્વારા 2017થી બળાત્કાર-ગેંગરેપ તથા મર્ડરના કેસોના અલગથી આંકડા જાહેર કરવામાં આવતા હોવાનું ઉલ્લેખનીય છે. રેપ વીથ મર્ડર કેસોના પરિણામોને લાગેવળગે છે ત્યાં સુધી 308 કેસોમાં ટ્રાયલ પૂર્ણ થઇ હતી અને 65 ટકાથી ઓછા 270 કેસોમાં આરોપીઓ તકસીરવાન ઠર્યા હતા. 2017માં માત્ર 57.89 ટકા કેસોમાં આરોપી તકસીરવાન ઠર્યા હતા. 2021માં આ પ્રમાણ 75 ટકા હતું. 2022માં 69 ટકા હતું.
અભ્યાસ રીપોર્ટમાં એમ કહેવાયું છે કે રેપ વીથ મર્ડર કેસમાં ટ્રાયલ પણ વધી રહી છે. આવા કેસોમાં નિકાલનો સમયગાળો વધી રહ્યો છે. 2017માં વધીને 1333 પર પહોંચી હતી. જો 132 ટકાનો વધારો સુચવે છે.
સંગઠનના ડાયરેક્ટર વેંકટેશ નાયકે કહ્યું કે મોટી સંખ્યામાં કેસોમાં પોલીસ તપાસ બાદ ચાર્જશીટને બદલે આખરી રીપોર્ટ પેશ કરતી હોવાનું ગંભીર છે. આ સમયગાળામાં રેપ વીથ મર્ડરના 140 કેસ ફાઇનલ રીપોર્ટ બંધ કરી દેવાયા હતા જ્યારે 97 કેસો પુરતા પુરાવાના વાંકે બંધ કરાયા હતા. આરોપીને સજા કરી શકાય તેવા પુરાવા ન મળે કે આરોપીનો અતોપતો ન હોય અથવા ફરિયાદ ખોટી માલુમ પડે તેવા કેસો બ્યુરો અલગ તારવે છે.
અભ્યાસ હેઠળ આવરી લેવાયેલા સમયગાળા પૈકીના ચાર વર્ષમાં 90 ટકાથી વધુ કેસોમાં ચાર્જશીટ મુકાયા હતા. મુખ્યત્વે કોવિડકાળનો આ સમયગાળો હતો. રીપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે 32.49 ટકા કેસોમાં પોલીસ તપાસ પૂર્ણ કરી શકી હતી.