લોગ વિચાર :
રાજયમાં સરકારી તંત્ર, વિભાગો, અધિકારીઓની બેદરકારી, મિલીભગત, થાબડભાણા, નિયમો માત્ર આમ જનતા માટે હોય તે રીતની મનસુફી ભરી અમલવારીના કારણે ગઇકાલે સૌરાષ્ટ્રના પાટનગર અને હૃદયસમા રાજકોટમાં પૂરા ગુજરાત નહીં પરંતુ દેશના લોકોને પણ હચમચાવી દે તેવી કરૂણ ઘટના બની છે.
નાના મવા રોડ પર આવેલા અને ચારેક વર્ષથી ફાયર એનઓસી સહિતની કોઇ મંજૂરી વગર ચાલતા ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં બાળકો સહિત 32થી વધુ લોકોના જીવ ગયા છે. આ દુર્ઘટનાએ કાળજા કંપાવી નાંખ્યા છે અને મૃતકના પરિવારજનો ઓળખી પણ ન શકે તેવી હાલતમાં લાશો મળી હતી. જે કારણે ડીએનએથી ઓળખ કરવી પડી છે.
રાજકોટના બનાવે ફરી છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં સર્જાયેલી મોટી દુર્ઘટનાની યાદ તાજી કરાવી દીધી છે. આ સાથે સરકાર અને સરકારી તંત્ર કેટલાક બેદરકાર છે તેનો પણ અંદાજ આવ્યો છે. મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના હોય કે સુરતના તક્ષશિલા કોચિંગ કલાસની દુર્ઘટના હોય.. સલામતી માટેના નિયમોનો કોઇ કડક અમલ આવી મોટી ધંધાદારી જગ્યા કે જાહેર સ્થળોએ થતો નથી તે ફરી પુરવાર થયું છે.
મહાપાલિકા, પોલીસ, કલેકટર તંત્ર, વિજ તંત્ર સહિતના વિભાગોની ભૂમિકા સામે પણ સવાલ ઉભા થાય છે ત્યારે સરકારની તપાસ ફરી ફારસરૂપ સાબિત ન થાય તે જરૂરી છે. સુરતમાં 2019માં તક્ષશીલા બિલ્ડીંગના કોચીંગ કલાસમાં લાગેલી આગમાં વિદ્યાર્થીના મૃત્યુ થયા હતા. ત્રીજા અને ચોથા માળેથી જીવ બચાવવા તરૂણો કુદયા હતા. ત્યાં શોર્ટ સર્કિટનું કારણ બહાર આવ્યું હતું. ર0ર3માં વડોદરાના હરણી તળાવમાં શાળાની પીકનીકમાં ગયેલા વિદ્યાર્થીઓ સાથેની બોટ પલ્ટી જતા 14 છાત્ર અને બે શિક્ષકના મોત થયા હતા. તો ર0રરમાં મોરબીનો ઝુલતો પુલ મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે નદીમાં ખાબકતા 141 લોકોના જીવ ગયા હતા. ખાનગી કંપનીએ સંચાલન સંભાળ્યા બાદ રીનોવેશન કરીને સરકારી તંત્રની મીઠી નજર હેઠળ કોઇ મંજુરી હેઠળ આ પુલ ખુલ્લો મુકી દેતા દિવાળી બાદના દિવસોમાં પૂરા રાજયમાં હાહાકાર મચી ગયો હતો. ર0ર0ની સાલમાં અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગથી 8 લોકોના મોત થયા હતા.
રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડે સમગ્ર રાજયની જનતાને હચમચાવી દીધા છે. આગમાં ફુલ જેવા બાળકો-કિશોરોના ભડથું થઇ ગયેલ મૃતદેહો બહાર આવતા જ સોશ્યલ મીડિયા ઉપર નાગરિકોએ રાજયમાં અવારનવાર બનતી આવી ઘટના અંગે ભયંકર આક્રોશ વ્યકત કર્યો હતો. સુરતના તક્ષશીલાકાંડને ર4મેએ પાંચ વર્ષ પૂર્ણ થયા. તેની વચ્ચે મોરબી ઝુલતા પુલની દુર્ઘટના, વડોદરા હરણી બોટકાંડ સહિત અનેક દુર્ઘટના બની તેમ છતાં સરકારની સ્થાનિક અને રાજય સ્તરની ઇન્સ્પેકશન અને લાઇસન્સિંગ ઓથોરીટી શું કરી રહી છે તેના સવાલ સરકારને કર્યા હતા.
ગેમ ઝોનમાં લાગેલી આગે લોકોને સુરતના તક્ષશીલા ટયુશન કલાસિસમાં લાગેલી આગથી બચવા કૂદી પડેલા યુવાઓની તસ્વીરો યાદ કરાવી દીધી હતી. સરકારી તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની લાપરવાહી નહીં ચલાવી લેવાય તેવી ખાતરની ભારે ઝાટકણી કઢાઇ હતી. દર વખતે કડક પગલા લેવાશેનું વાજુ વગાડતા સરકારના જવાબદાર મોવડીઓ ખરેખર પોતાની નાગરિકો પ્રત્યેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા હોવાની પ્રતિક્રિયા પણ સોશ્યલ મીડિયા પર વ્યકત કરાઇ હતી.
સરકારના મંત્રીઓ કે સ્થાનિક સ્તરે ઘટના બને તે વિસ્તારના અને સરકારના ઉચ્ચ સ્તરે બેઠેલા જવાબદાર અધિકારીઓ અમદાવાદના પીપલજ આગ કાંડથી લઇને અનેક સામુહિક ભોગ લેનારી હૃદયદ્રાવક ઘટનાઓ બને છતાં તંત્રમાં સુધારો થાય તે માટે કોઇ પગલા લેતા નથી અને તોતિંગ પગાર ખાય છે.
તેની સામે પણ આક્રોશ વ્યકત કરાયો હતો. રેઢીયાળ તંત્ર એક પછી એક ઘટના બને છતાં સુધરવાનું નામ લેતી નથી. દર વખતે તપાસ કમીટી અને રીપોર્ટનું નાટક થાય અને બધુ સામાન્ય થઇ જાય તે પછી ફરીથી તેવી જ દુર્ઘટના બને એટલે ફરીથી નાટકનું પુનરાવર્તન સિવાય તંત્ર કંઇ થઇ રહ્યું નથી તેમ પણ જણાવ્યું હતું. અમદાવાદમાં પીપલજ-પિરાણામાં ગોડાઉનમાં આગ, શ્રેય હોસ્પિટલ આગ, કાંકરીયામાં રાઇડ તૂટી પડવાથી લઇ અનેક દુર્ઘટનાઓ થઇ છે.