લોગ વિચાર.કોમ
વર્તમાનમાં દરેક ઘરના રસોડામાં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ ખૂબ સામાન્ય છે. ટિફિન પેક કરવા હોય, રોટલીઓને ગરમ રાખવા હોય કે બચેલા ખોરાકને ઢાંકવા હોય, દરેક વસ્તુ માટે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ સિલ્વર રંગની પાતળી શીટ તમારા સ્વાસ્થ્યને ચૂપચાપ નુકસાન પહોંચાડી શકે છે.
સાયન્ટિસ્ટ અને હેલ્થ એક્સપર્ટસ અનુસાર, જો એલ્યુમિનિયમ ફોઇલનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે શરીર માટે ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. એલ્યુમિનિયમના વધુ પડતા સંપર્કમાં આવવાથી આપણા બ્રેન ફંક્શન પર અસર પડી શકે છે.
કેટલાક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, શરીરમાં એલ્યુમિનિયમનું વધુ પડતું સંચય અલ્ઝાઇમર જેવા ન્યુરોલોજીકલ રોગોનું જોખમ વધારી શકે છે. એલ્યુમિનિયમ ફોઇલમાં ખોરાકને વારંવાર ગરમ કરવાથી અથવા સંગ્રહિત કરવાથી, આ તત્વ ધીમે ધીમે ખોરાકમાં ભળી શકે છે. જ્યારે શરીરમાં વધારાનું એલ્યુમિનિયમ જમા થાય છે, ત્યારે તે કેલ્શિયમ શોષણને રોકી શકે છે.
આનાથી હાડકાં ધીમે ધીમે નબળા પડે છે અને ઓસ્ટીયોપોરોસિસનું જોખમ વધે છે, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને આનાથી વધુ સમસ્યાઓનો થઈ શકે છે. ખોરાકને ફોઇલમાં સ્ટોર કરવાથી અથવા રાંધવાથી, ખાસ કરીને એસિડિક ખોરાક (જેમ કે ટામેટા, લીંબુ, અથાણાં), નાના-નાના એલ્યુમિનિયમ કણો ખોરાકમાં ભળી શકે છે. આનાથી પેટમાં ગેસ, એસિડિટી, કબજિયાત અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.