ભારતમાં પહેલી વાર, માનવ શરીરમાં યાંત્રિક હૃદય ધબકયુ!

લોગ વિચાર :

દેશમાં પહેલીવાર હાર્ટ ફેઈલ મહિલા દર્દીમાં લેફટ વેન્ટ્રિકયુલર સહાયક ઉપકરણ (એલવીએડી) લગાવીને તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ ઉપકરણનો ઉપયોગ હૃદય પ્રત્યારોપણના વિકલ્પ તરીકે કરવામાં આવ્યો હતો.

ચિકિત્સક વિજ્ઞાનમાં તેને મિકેનિકલ હાર્ટ (કૃત્રિમ હૃદય) કહેવામાં આવે છે. દિલ્હી કેન્ટ સ્થિત સેનાના રિસર્ચ તેમજ રેફરલ હોસ્પીટલનાં ડોકટરોએ આ સિધ્ધિ મેળવી છે. રક્ષા મંત્રાલયે બુધવારે આ જાણકારી આપી હતી.

મંત્રાલય તરફથી જણાવાયું હતું કે, હાર્ટમેટ-3 નામનું આ સાધન એક સૈન્યકર્મીની 49 વર્ષિય પત્નિને સફળતાપૂર્વક લગાવવામાં આવ્યું હતું.મહિલાનું હૃદય પુરી રીતે ખરાબ થઈ ગયુ હતું અને તે બે વર્ષથી હૃદય પ્રત્યારોપણની રાહ જોઈ રહી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

લાંબા સમય સુધી કામ કરશે
હાર્ટફેલ દર્દીઓમાં લેફટ વેંટ્રીકયુલરમાંથી લોહીનું પંપીંગ લગભગ બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં માત્ર હૃદય પ્રત્યારોપણનો વિકલ્પ જ બચે છે પણ હાર્ટમેટ-3 ફરીથી હૃદયમાં પંપીંગને સુધારી શકે છે અને હૃદય પ્રત્યારોપણની જરૂરીયાત ખતમ થઈ જાય છે.

દુનિયાનાં 18 હજાર લોકોમાં લાગ્યું આ સાધન
અમેરિકા સહીત દુનિયાનાં 18 હજારથી વધુ લોકોમા આ ઉપકરણ લગાવાઈ ચુકયુ છે. પણ ભારતમાં પહેલીવાર તેનો ઉપયોગ થયો છે.