સુરતમાં પહેલી વાર પોલીસે ગુમ થયેલી બાળકીને શોધવા માટે ડ્રોન ઉડાડ્યું

લોગ વિચાર.કોમ

સુરત પોલીસનું સ્માર્ટ વર્ક, CCTV ફૂટેજનું તર્કસંગત વિશ્લેષણ અને ડ્રોન ટેક્નોલોજીનો સાચો ઉપયોગ...જી...હા આ ત્રણેયના સમન્વયથી 12 કલાકથી ગુમ એક 8 વર્ષની બાળકી જ્યારે ઘરે સલામત પરત ફરી ત્યારે ચોધાર આંસુએ રડતા માતા-પિતાએ પોલીસનો આભાર માન્યો.

આ ઈમોશનલ કહાની છે એક 8 વર્ષની બાળકી અને તેના પરિવારના 12 કલાક લાંબા વિયોગની...સુરત શહેર કે જ્યાં સૌથી વધુ બાળકીઓ પર દુષ્કર્મ, અપહરણના કેસ સામે આવતા હોય છે. ત્યાં ભણવા બાબતે ઠપકો આપતાં ગુસ્સે ભરાયેલી એક 8 વર્ષની માસૂમ ‘હું રમવા જાઉં છું’ તેમ કહીને ઘરેથી નીકળી ગઈ.

એક કલાક વીત્યો...બે કલાક વીત્યા...ત્રણ કલાક વીત્યા...પણ માસૂમ ઘરે પરત ન ફરતા ચિંતિત માતા-પિતા પોતાની વ્હાલસોયીને શોધવા સુરતની ગલીએ-ગલીએ નીકળે છે. જોતજોતામાં ક્યાં સાંજ અને રાત પડી જાય છે. તે આ માતા-પિતાને પણ ખબર નથી રહેતી.

આખરે હારેલા-થાકેલા અને ડરેલા માતા-પિતા અંદાજિત રાત્રે 8 વાગ્યે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવા પહોંચે છે. માતા-પિતાની હાલત અને કેસની ગંભીરતાને જોતા પોલીસ પણ તાત્કાલિક સક્રિય થાય છે અને 5 ટીમ બનાવી ગુમ બાળકીને શોધવા કામે લાગી જાય છે.

પોલીસે બાળકી ઘરેથી નીકળી ત્યારથી CCTV ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું. ત્યાં જ એક ક્લૂ મળ્યો પણ પોલીસ સામે પણ એક ચેલેન્જ હતી. અંધારુ, ભીડ ને ગભરાયેલી બાળકી. પણ આ બધા વચ્ચે સુરત પોલીસે સ્માર્ટ વર્ક બતાવ્યું અને 12 કલાકથી ગુમ બાળકીને પહેલીવાર ડ્રોનની મદદથી 45 મિનિટમાં ભીડભાડવાળી બજારમાંથી શોધી લીધી.

જ્યારે 4 જવાનો ભીડભાડવાળી બજારમાં પહોંચ્યા ત્યાં ખાખીને જોતા જ દીકરી બાથ ભીડી ગઈ.