લોગવિચાર :
ગુજરાતમાંથી વિદેશ પ્રવાસે જવા ઇચ્છુક નાગરિકો દ્વારા પાસપોર્ટ કઢાવવાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના બે વર્ષના સમયગાળાને બાદ કરતા સરેરાશ 6 લાખથી 8 લાખ સુધીની અરજી અમદાવાદ રિજનલ પાસપોર્ટ કચેરીને મળી છે. લગભગ તેટલા જ પાસપોર્ટ પણ અપાઈ રહ્યા છે.
રાજ્યના મહાનગરોથી લઈને હવે ગ્રામ્ય વિસ્તાર સુધી વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જઈ રહ્યા છે. તો વ્યવસાય માટે પણ વિદેશ પ્રવાસ મોટી સંખ્યામાં વધ્યો છે. તેના સાથે વિદેશમાં ટુરિઝમ માટે પણ લોકો જઈ રહ્યા છે. તેના કારણે પાસપોર્ટ માટે આવતી અરજીઓ અને મંજૂર કરાતી અરજીઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
2024ના વર્ષમાં નવેમ્બર મહિના સુધી દેશની રિજનલ પાસપોર્ટ કચેરીમાં નાગરિકોની અરજીઓ સામે અપાયેલા પાસપોર્ટની સંખ્યા 6,82,154માં અમદાવાદ કચેરી દેશમાં ચોથા સ્થાને છે. અમદાવાદ કરતા વધુ પાસપોર્ટ બેંગાલુરુ, મુંબઈ અને ચંદિગઢમાંથી જારી કરાયેલા છે. તો લખનૌ, કોઝીકોડ, દિલ્હી પણ ગુજરાતથી બહુ પાછળ નથી.
અમદાવાદમાં વિવિધ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અરજદારોનો વધુ સમય વ્યતિત ન થાય તે રીતે અત્યાધુનિક પધ્ધતિથી ચકાસણી થતી હોવાથી કરાતી અરજીઓ સામે પાસપોર્ટ ટૂંકા સમયગાળામાં આપી દેવાતા હોય છે.
છેલ્લા કેટલાક વર્ષથી અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં વિદ્યાર્થીઓનું ભણવા જવાનું પ્રમાણ વધ્યું છે. તેના કારણે પણ પાસપોર્ટની સંખ્યા વધી છે. તો લગ્ન પછી પણ વિદેશ ફરવા જવાનો ક્રેઝ વધ્યો છે.