લોગ વિચાર :
વેસ્ટઈન્ડીઝમાં ત્રાટકેલા બેરીલ વાવાઝોડાના કારણે ફસાઈ ગયેલી વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમની વાપસી વિલંબમાં પડી છે અને હવે આજને બદલે આવતીકાલે વહેલી સવારે ભારત પરત ફરે તેવી સંભાવના છે.
ટી20 વર્લ્ડકપના ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને વર્લ્ડ ચેમ્પીયન બનેલી ભારતીય ટીમ સ્વદેશ માટે રવાના થાય તે પુર્વે જ બાર્બાડોઝમાં વાવાઝોડુ ત્રાટકતા એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેને કારણે ભારતીય ટીમ ફસાઈ ગઈ હતી.
ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ માટે ખાસ ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરી હોવા છતાં ટીમની રવાનગી નિયત સમયે શકય બની ન હતી. ટીમ બાર્બાડોઝના સમય પ્રમાણે ગઈકાલે સાંજે છ વાગ્યે રવાના થવાની હતી અને આજે સાંજે દિલ્હી પહોંચવાની હતી પરંતુ તેમાં વિલંબ થયો છે અને હવે ભારતીય ટીમ આવતીકાલે વહેલી સવારે દિલ્હી પહોંચે તેવી શકયતા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વાવાઝોડુ બેરીલ બાર્બાડોઝથી આગળ વધીને જમૈકા તરફ પહોંચ્યુ છે અને સમગ્ર હૈતી તથા ડોમીકન રિપબ્લીકન પર ખતરો મંડરાયો છે. આ સ્થળોએ ખતરનાક પવન ફુંકાવાની ચેતવણી આપવામાં આવી છે. મોટી ખાનાખરાબી સર્જાવાનું પણ જોખમ દર્શાવવામાં આવી રહ્યું છે. બે દિવસ બાર્બાડોઝમાં ફસાયેલી ભારતીય ટીમ આવતીકાલે દિલ્હી પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળે તેવી શકયતા છે.